Kahin aag n lag jaye

Call Directions Contact the business

Kahin aag n lag jaye Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kahin aag n lag jaye, Book shop, Ahmedabad.

અંતિમ પ્રકરણ- ચોવીસમું/૨૪‘શહેરના નામી ઉદ્યોગપતિ મધુકર વિરાણીની પત્ની મીરાં રાજપૂત મર્ડરના આરોપમાં જેલના સળિયા પાછળ ધકેલા...
31/10/2020

અંતિમ પ્રકરણ- ચોવીસમું/૨૪

‘શહેરના નામી ઉદ્યોગપતિ મધુકર વિરાણીની પત્ની મીરાં રાજપૂત મર્ડરના આરોપમાં જેલના સળિયા પાછળ ધકેલાઈ.’

એક નહીં, બે નહીં, પણ ત્રણ વખત ન્યુઝ પેપરની આ હેડલાઈન કબીરે ડોળા ફાડીને વાંચી. ધબકારો ચુકી જવાય એવા આંચકા સાથેના ધક્કાથી કબીરને કમકમાટી છૂટી ગઈ. થોડીવાર માટે તો એવું લાગ્યું જાણે કે બોલવા, સાંભળવા અને વિચારવાની શક્તિ હણાઈ ગઈ. થોડીવાર બન્ને હથેળી લમણાં પર દબાવીને બેસી રહ્યો.

પછી..ઉતાવળે ડીટેઇલ વાંચીને કયા એરિયાનાં પોલીસ સ્ટેશન જવાનું છે, તે જાણ્યું. મોબાઈલ તૂટી ગયો હતો એટલે કોઈનો સંપર્ક કરવો પણ શક્ય નહતો. ઘાંઘાની જેમ દસ જ મિનિટમાં ફ્રેશ થઇ, ચેન્જ કરીને કાર દોડાવી પોલીસ સ્ટેશન.

ત્યાં જઈને જોયું તો પોલીસ સ્ટેશનની અંદર જવું જ મૂશ્કેલ હતું. નેશનલ અને સ્થાનિક બન્નેનાં મળીને સોથી વધુ ટેલીવિઝન અને પ્રિન્ટ મીડિયાના પત્રકારો, કેમેરામેન, તેમનાં ઓબી વેન સાથેનાં કાફલાઓ લઈને પોલીસ સ્ટેશનની બહાર ખડકાઈ ગયાં હતાં.

માંડ માંડ ભીડમાંથી રસ્તો કરીને બહાર ઊભેલા પી.આઈ.ને તેની ઓળખાણ આપતાં, કબીરને અંદર જવાની મંજૂરી આપી. અંદરનો માહોલ ધમધમાટી ભર્યો હતો. સતત લેન્ડલાઇન ફોન ધણધણી રહ્યા હતાં. ત્યાં થોડે દૂર એક ચેર પર બેઠેલાં મધુકર પર કબીરની નજર પડી.

મધુકરની પાસે જઈને હાંફતા હાંફતા કબીર માત્ર એટલું જ બોલી શક્યો.
‘સર.’
કબીર સામું જોઇને કશું જ બોલ્યા વગર મધુકરે બાજુની ચેર પર બેસવા માટે ઈશારો કર્યો.

‘સર, હજુ પણ માનવામાં નથી આવતું. આઆ..આ કયારે અને કેમ થયું? શું કહે છે પોલીસ ડીપાર્ટમેન્ટ? અને મેડમ?'

ઉકળાટ, અધીરાઈ અને અસમંજસની મિશ્રિત લાગણી સાથે કબીરે પૂછ્યું.

પાંચ સેકંડ ચુપ રહીને કબીરની સામે હારેલા યોદ્ધાની માફક મધુકર બોલ્યો...

‘જે વિરાણી ઇન્ડસ્ટ્રીઝની આબરૂને અંબરની ઊંચાઈ સુધી લઇ જતાં મને બે દાયકા લાગ્યા અને બે જ ઘડીમાં તે કીર્તિ અને ખ્યાતિ ખાખમાં ભળતાં બે કોડીના થઇ ગયાં.
છેક દિલ્હી હોમ મીનીસ્ટ્રી સુધી વાત કરી લીધી છે. પોલીસ સો ટકા આપણી ફેવરમાં છે. મને રાત્રે સાડા અગિયાર પછી કોલ આવ્યો...મીરાં અત્યારે અંદર લોકઅપમાં છે.’

‘પણ સર... હોમ મીનીસ્ટ્રીનો સપોર્ટ છે તો પછી.. આ મેટર અહીં સુધી કેમ..?' કબીરે પૂછ્યું.

‘તેનો જવાબ મીરાં પાસે છે.... પણ એ નથી આપતી.’
એક નિ:સાસા સાથે માથું નીચે ઢાળીને મધુકર બોલ્યો.

‘સર..આપ કહો તો હું મેડમને મળી શકું?' સ્હેજ સ્વસ્થ થતાં કબીરે પૂછ્યું.

એટલે મધુકરે એક પોલીસ કર્મચારીને કબીરને મીરાં સાથે મુલાકાત માટે લઇ જવા કહ્યું. હોમ મીનીસ્ટ્રી દિલ્હી, રાજ્યના ગૃહ મંત્રી, જીલ્લાના પોલિસ કમિશ્નર, એસ.પી. અને અંતે કોન્ટેબલ સુધીનાં સૌ એક્સ્ટ્રા ચાર્જ લઈને મધુકરની સેવામાં ખડે પગે ઊભા હતાં.

રાત્રે કબીરે નશાયુકત દ્રવ્યના દમ પર, હોંશ ગુમાવીને અપશબ્દોમાં તેની અસ્ખલિત કબીરવાણીથી જે રીતે મીરાંના સ્તુતિગાનની પ્રસ્તુતિ કરી હતી, તેનાથી કબીર અજાણ હતો.
લોકઅપ તરફ જતાં કબીરના કદમ કમજોર થઇ ગયા હતાં. કઈ હેસિયતથી તે મીરાંની સામે નજર મેળવશે?

લોક અપ પાસે ઊભા રહીને કબીરે જોયું તો...બે પળ માટે આંખો મીંચી દીધી..

જે ડ્રેસમાં હોટલ સ્કાયલાઈનમાં જોઈ હતી એ જ વસ્ત્રોમાં કસ્ટડીમાં નીચે ભોંય પર કપાળે હાથ મૂકીને, આંખ મીચીને સુતી હતી. અઢળક ઐશ્વર્યમાં આળોટતી મીરાં રાજપૂતને આજે અમાન્ય અંત્યાવસ્થામાં કારાવાસની કોટડીની જમીન પર પડેલી જોઇને કબીરને કુઠારાઘાતની સાથે કંપારી અને પરસેવો છૂટી ગયો.

મીરાંનું નામ લઈને સંબોધન કરવાની કબીરમાં હિંમત નહતી એટલે.. ખોંખારો ખાઈને મીરાંનું ધ્યાન તેની તરફ ખેંચવાનો પ્રયત્ન કરતાં... મીરાંએ આંખો ઉઘાડીને કબીર તરફ નજર કરી.

બે સેકંડ પછી ઉભાં થઈને કબીર પાસે આવીને ચૂપચાપ જોઈ રહી. નજરો નજર જોયા પછી પણ કાલ્પનિક લાગતી, છતાં હકીકત બની ગયેલી ઘટનાની ઘટમાળના અથાગ થાક અને અનિંદ્રાની અસર મીરાંની લાલચોળ આંખો અને ચહેરા પર સાફ દેખાઈ આવતી હતી. આખી ઘટનાથી કબીર એટલો હતપ્રભ થઇ ગયો કે, સંવાદની શરૂઆત ક્યાંથી કરવી એ ગતાગમ નહતી પડતી. ગહન શ્વાસ ભરીને હિંમત કરીને ગળગળા સ્વરમાં, કબીર માત્ર એટલું પૂછી શક્યો..

‘આ શું થયું મીરાં..??'
બીજી જ પળે મીરાં નાક પર આંગળી મૂકતા બોલી....
’શશશશશશ.........................’ મીરાં નહીં.. રાંડ.. કહો.. વૈશ્યા કહો મિ. કબીર’

આ શબ્દો સાંભળતા તો કબીરને એવું લાગ્યું કે.. સણસણ કરતાં રિવોલ્વરમાંથી છૂટતી બુલેટની ગતિએ ચારે દિશામાંથી છૂટેલાં સેંકડો તીર કબીરની કાયાને વીંધીને આરપાર નીકળી ગયા હોય..!

‘આઆઆ...આ શું બોલે છે મીરાં?' ધ્રુજતા સ્વરે કબીરે પૂછ્યું.

‘ઓહ..! તો વાક્ચાતુર્યના વિદ્વાનને તેના ભાષણના ભાનની સાથે ભાષાંતર પણ કરીને આપવું પડશે એમ? એક મિનીટ.’ એમ કહીને મીરાંએ તેના મોબાઈલમાંથી કબીરે મીરાંને અશ્લીલ અપશબ્દોમાં ગાલિપ્રદાન કરીને જે રીતે સન્માનિત કરી હતી તેનું રેકોર્ડીંગ સર્ચ કરીને પ્લે કર્યું..

‘તું.. તું..તો રાંડ છે.... તું,.. તું .. વેશ્યા છે...અઅ...અરે તારા કરતાં તો પેલી બાબા...બાજારૂ ઔરત સારી... તત...તને ફક્ત શરીરની ભૂખ છે. ...કેકે...કેટલાં યયા..યાર રાખ્યા છે હેં..? અરે. મમ..મને કીકી..કીધું હોત તો હું..હું તા..તારાં દિવસ અને રા..રાત બંને રંગીન કરી દેત... તું તો ...’

‘તમને ખબર છે, મિ.કબીર? જે પળે તમારો આ મારી સ્તુતિગાન સંભળાવતો કોલ આવ્યો, તે પળે સિચ્યુએશન એવી હતી કે મને તમારી સખ્ત જરૂર હતી...અને બસ..જો એ એક પળ તમે મને સાંભળી કે સંભાળી લીધી હોત તો... હું આજે જેલમાં ન હોત. બસ એ એક જ પળે મને મારાં અસલી સ્થાનનું ભાન કરાવી દીધું. અને... હું અહીં આવી ગઈ.’

એ પછી મીરાં બોલી..

‘આ અવાજ કબીર કામદારનો છે, એ સાબિતી આપવાની જરૂર ખરી? હવે કહો, કોને મળવું ગમશે, અને શા માટે? રાંડ, વેશ્યા, કે બજારુ ઔરતને? અને માફ કરજો, મીરાં રાજપૂત તો આપને ઓળખતી નથી, અને કોઈને મળવા માંગતી પણ નથી. હવે બોલો?'

ચામડા સાથે માંસને પણ ઉતરડી નાંખે, એવી ચાબખાં જેવી જલદ જબાનની ઝણઝણાટીથી, મીરાંએ કબીરના મુંડી થી લઈને પીંડી સુધીના અધિકાંશ અવયવના તંતુના તાર તોડી નાખ્યા. મનોમન ચીખ નીકળી જાય એ હદે મીરાંએ કબીરની ચતુરાઈનું ચીરહરણ કરી નાખ્યું.

તેના વાક્પ્રભાવ કે મીરાંની અનંત એકલતાની દુઃખતી રગ દબાવીને આડકતરી રીતે મીરાંને હાંસિલ કરી લેવાની મલીન મુરાદની આંધળી દોટમાં કબીર, મીરાં માટે તેના મસ્તિષ્કના હદપારની હલકટાઈ અને નફફટને પણ શરમાવે તેવા અકથ્ય શબ્દપ્રયોગથી, મીરાં પ્રત્યેના તેના આદર અને અહોભાવનું, સાવ નિર્લજ્જ થઈને તેના લજ્જાની લાજ લુંટી શકે, એ વાત તો ખુદ કબીર પણ માનવા તૈયાર નહતો...

પણ... શબાબ અને શરાબની મદહોશીમાં શાતિર દિમાગના શરતંજની બહેકી ગયેલી ચાલ શબ્દદેહ ધારણ કરતાં નિરંકુશ થઇ ગઈ અને....નિરાકાર વિકારનું નગ્ન સત્ય ઉઘાડુ થઇ ગયું.

પરમપાપને પણ શરમ આવે તેવી થાપથી તેના આત્મપરિતાપની ભડકે બળતી અગ્નિમાં બળતાં કબીર મનોમન એવી પ્રાર્થના કરતો હતો કે ધબકારા બંધ થાય અથવા સ્હેજ ધરતી ફાટી જાય તો સારું.

‘મિ.કબીર, એક સ્ત્રીએ તમને તેની શાખ દાવ પર મૂકીને તેનાં સર્વશ્રેષ્ઠ સંબંધના સાક્ષી બનાવ્યા. ભાવનાસૃષ્ટિના ભાગીદાર બનાવ્યા. દર્દની દાસ્તાં સંભળાવવા જાણ નહીં.. જાનભેદુ બનાવ્યા. છાની વેદનાનો છેદ ઉડાડવા સંતાપ સભામાં શરીક કર્યા. એકલતાની અગનદાહના ડામ પર મરહમના મજમુદાર બનાવ્યા....સ્પંદન સબબના સાજીદાર સમજું, એ પહેલાં તો.....’’’ સ્હેજ માર્મિક હાસ્ય કરતાં આગળ બોલી.

‘મિ.કબીર, તેમાં તમારો કોઈ દોષ નથી. કારણ કે તમે સ્ત્રીને પામવામાં, પટાવવામાં કે પાડી દેવામાં માહિર છો. કોઈને પ્રેમ કરવાની લાયકાત તો તમારામાં છે જ નહીં. મને તો ઈચ્છાપૂર્તિના અન્નકૂટમાં, તમારાં ભાગ માટે છપ્પનભોગના થાળની મંછા હતી. પણ.. મને શું ખબર કે તમે બદામનો શીરો ન પચે એ કુળની તાલિમ લીધેલી અસલી ઔલાદ હશો.’

કબીરને એમ થયું કે જેલના સળિયા પર માથું પટકીને જીવ કાઢી નાખું. પશ્ચાતાપનાં પ્રચંડ પ્રવાહ અને ખતાથી ઉતરી આવેલાં ખૂનથી, લાલચોળ આંખો સાથે ચિત્કાર જેવી ચૂપકીદીના સંયમનો બાંધ તોડતાં અંતે કબીર બોલ્યો..

‘એકવાર નહીં હજારવાર કબુલ મારી ભૂલ. પણ શું સજા છે? કઈ રીતે પ્રાયશ્ચિત કરું? એ કહીશ?

આટલું સાંભળીને મીરાં હસતાં હસતાં બોલી...

‘મિ.કબીર....માફી કસુરની હોય, કાવતરાંની નહીં. જે દિવસે મને તમારી આંખમાં પ્રાયશ્ચિતની ભીનાશ દેખાશે, તે દિવસે મીરાં રાજપૂત સરાજાહેર તમારી માફી માંગશે.’

‘પણ આ બધું કઈ રીતે.....?.’ હજુ કબીર તેનું વાક્ય પૂરું કરતાં પહેલાં જ મીરાં ઊંચાં અવાજમાં બોલી.

‘પ્લીઝ, નાઉ સ્ટોપ ધીઝ ઓલ નોનસેન્સ ટોક....એ અધિકારની અગ્રિમતાનું ગઈ રાત્રીએ તમે તમારી કુલીનતાનું અભદ્ર ભાષામાં ભાન કરાવીને કોર્ટ માર્શલ કરી નાખ્યું છે. ગેટ લોસ્ટ.’
એમ કહીને મીરાં ફરી કારાવાસની કોટડીના છેડે જઈને સુઈ ગઈ.

માંડ માંડ ડગ માંડતા કબીર આવ્યો મધુકર પાસે.

ક્રિમીનલ કેસના માસ્ટર માઈન્ડ એવા દેશના ટોચના વકીલોની લાઈન લગાડી દીધી હતી મધુકરે. પોલિસ ડીપાર્ટમેન્ટ પણ શક્ય હોય ત્યાં સુધી ઓન પેપર મીરાં રાજપૂતને મર્ડર કેસમાં ગૃહ મંત્રાલયના અન્ડર ટેબલ આદેશથી કલીનચીટ આપવા સંમત હતી. પણ......અંતે સઘળો આધાર હતો મીરાંના સ્ફોટક નિવેદન પર.

પોલીસ કમિશ્નર સાથેની ગુપ્ત મંત્રણા બાદ એસ.પી.ને આદેશ અપાયા. મામલો અતિથી અતિ નાજુક અને સંગીન હતો.

થોડીવાર બાદની ગંભીર ચર્ચા પછી સમય કાઢીને મધુકર આવ્યો કબીર પાસે.
કબીર હજુ સમગ્ર ઘટનાથી સાવ જ આંધળાની જેમ અજાણ હતો.

‘પણ, સર એક્ચ્યુલી મેટર શું છે એ મને કહશો?' બેહદ અકળાઈને કબીરે પૂછ્યું.
મધુકર કબીરને લઈને એસ.પી.ની ચેમ્બરમાં આવ્યો. બન્ને એક જ સોફા પર બેઠાં. થોડીવાર ચુપ રહ્યા પછી મધુકર બોલ્યા..

‘હું રાત્રે સાડા બાર વાગ્યે જયારે બીઝનેસ મીટ બાદ ડીનર લઈને ઘરે જઈ જ રહ્યો હતો, ત્યાં ઓન ધ વે મને પોલીસ કમિશ્નરનો કોલ આવ્યો કે... તમે ઝડપથી પોલીસ હેડ ક્વાર્ટર પહોંચો. મિસિસ મીરાં રાજપૂત વિરાણીને મર્ડરના ચાર્જમાં એરેસ્ટ કરવામાં આવ્યાં છે. કબીર, બે દાયકામાં મેં મારાં કોર્પોરેટ બીઝનેસમાં કઈંક મેજર અપ્સ એન્ડ ડાઉન જોઈ લીધા, પણ આ એક વાક્યએ મને એવો આંચકો આપ્યો કે, થોડીવાર હું ભાન ભૂલી ગયો..એ પછી કાર દોડાવી સીધી પોલીસ હેડ ક્વાર્ટર.

ઉતાવળેથી દાખલ થયો પી.સી.ની ચેમ્બરમાં.
આખી ઘટનાક્રમથી વાકેફ કરાવતાં બોલ્યા...

આશરે અગિયાર વાગ્યાની આસપાસ હોટલ સ્કાયલાઇનના સત્તરમાં માળના વી.આઈ.પી. સ્યુટમાંથી આપના વાઈફ મીરાં રાજપૂતે સામેથી નામ અને લોકેશનની જાણકારી આપીને કહ્યું કે, તેમણે મર્ડર કર્યું છે. બીજી જ પળે પોલીસ હરકતમાં આવીને પહોંચી ઘટના સ્થળે. હોટલ મેનેજમેન્ટ પણ સ્તબ્ધ થઈને જોતો રહ્યો.
પોલીસ સ્યુટમાં દાખલ થઇ...આશરે પાંત્રીસેક વર્ષની ઉંમરની વ્યક્તિની લોહીથી લથબથ એક લાશ પડી પડી હતી. મીરાં રાજપૂત તેના હાથમાં રિવોલ્વર પકડીને સોફા પર બેઠાં હતા. ફોરન્સીક લેબનો સ્ટાફ, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ, ફોટોગ્રાફર સૌએ તેમની કામગીરી શરુ કરી દીધી. તમામ પુરાવાઓ એકઠા કર્યા. મરનાર પર રિવોલ્વરની છએ છ ગોળી ધરબી દેવામાં આવી હતી. પંચનામું થયું. હોટેલના ફરજ પરના કર્મચારીનાં નિવેદન લેવામાં આવ્યાં. મિહિર ઝવેરીની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવી. સી.સી.ટી.વી. કવરેજના ફૂટેજ. મીરાં રાજપૂતનું નિવેદન લેતાં, એણે સાવ શાંત અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ મર્ડર મેં જ કર્યું છે, અને એ પણ પૂરેપૂરાં હોશોહવાશમાં. મારનારની ઓળખ વિષે પૂછતાં નામ આપ્યું..... મિહિર ઝવેરી. વધુ પૂછપુરછ કરતાં કહ્યું કે હું કોર્ટમાં જજની સમક્ષ મારું બયાન આપીશ. એ પછી તેમને તે એરિયાના પોલીસ સ્ટેશન પર લાવવામાં આવ્યાં.’

કોઈ ગુનાહિત પ્રવૃત્તિ તો શું, પણ મધુકર કયારેય ક્રાઈમના ન્યુઝ સુદ્ધાં પણ નહતા વાંચતા. અને આજે તેના ઘરમાં જ ટોક ઓફ ધ ટાઉન નહીં પણ ટોક ઓફ ધ નેશન બનવા જઈ રહેલી ઘટનાનો સાક્ષી બનતા, મધુકર માનસિક રીતે સાવ ભાંગી પડ્યા. ગૃહ મંત્રીના પી.એ. અને દિલ્હી હોમ મીનીસ્ટ્રી સુધી ચકરડાં ઘુમાવી લીધા.
પી.સી. પર સતત ફોનનો મારો ચાલુ થયો.. સવાર સુધીમાં તો તમામ મીડિયામાં વાત વીજળી વેગે પ્રસરી ગઈ. હમણાં પ્રેસ કોન્ફરન્સ છે. હમણાં મીરાંને કોર્ટમાં જજની સમક્ષ હાજર કરવાની છે. અને આ.... મીડિયાવાળાએ, તેની હાટડી ચલાવવા મસાલો ભભરાવીને મામલો ચટાકેદાર કરી નાખ્યો છે.

આટલી વાત સાંભળીને તો..કબીરને કમકમાટી સાથે પરસેવો છૂટી જતા પુછ્યું..

‘પણ મીરાં શું કે છે? અને કોણ છે આ મિહિર ઝવેરી? અને મીરાં તેનું મર્ડર શા માટે કરે?’

‘મર્ડર મીરાં એ જ કર્યું છે. કબીર, તને શું લાગે છે? કોઈ સામાન્ય મેટરને લઈને મીરાં મર્ડર કરવાનાં કૃત્ય સુધી પહોંચી જાય? અને કોઈપણ જાતના ક્ષોભ કે સંકોચ વિના, બિન્દાસ બેધડક જાણે કે કોઈ ગૌરવ લેવા જેવું ભગીરથ કાર્ય કર્યું હોય, એમ સ્વીકાર કરતાં કહે છે કે, આ મર્ડર મેં મારી મરજીથી કર્યું છે. મિહિર ઝવેરી ગુનાહિત ઈતિહાસ ધરાવતો એક વોન્ટેડ ક્રિમીનલ હતો. ગઈકાલ રાતથી હું આઉટ ઓફ લીમીટ સ્ટ્રેસમાંથી પસાર થઇ રહ્યો છું. રાતનો માથા પછાડીને મરી ગયો પણ.. આ ગડમથલની ગુત્થી નથી ઉકેલાતી. દુનિયાભરના કોન્ટેક્ટસ તરફથી નોનસ્ટોપ કોલ્સ ચાલુ છે.
જેટલું નામ વીસ વર્ષમાં ન કમાયો, એટલું મીરાંની મહેરબાનીથી બાર કલાકમાં કમાઈ ગયો. હું છેલ્લી વાર મીરાંને મળી લઉં છું. નહીં તો.. આઈ લીવ ઓલ....’

એમ બોલીને મધુકર ગયો મીરાંને મળવા..

શક્ય એટલું શિરને શાંત રાખીને મધુકર બોલ્યા...

‘મીરાં....પ્લીઝ..જે કંઈપણ હોય એ કહી દે. એ પછી હું તને એક શબ્દ નહીં પૂછું. મને ખબર છે કે આ સનસનાટી ભરી ઘટના સંજોવશાત છે. મારે વધુ કશું જ નથી જાણવું. તું ચૂપ રહીશ તો.. વાત નહીં બને. આપણે એ ક્રિમીનલ મિહિરને જ નિમિત્ત બનાવી, અને તને નિર્દોષ સાબિત કરીને બંધ મુઠ્ઠીની બાજી જીતી શકીએ એમ છીએ. તું ફક્ત એકવાર તારું સ્ટેટમેન્ટ એડવોકેટ અને પોલીસ કહે, એ મુજબ આપી દે. એટલે બધો જ મામલો રફાદફા કરાવી દઈશ. છેક દિલ્હીથી લીલીઝંડી મળી ગઈ છે.’

થોડીવાર મધુકર સામે જોઈને મીરાં બોલી..

‘મધુ યાદ છે? ગઈકાલે તેં મને એક પ્રશ્ન પૂછ્યો હતો કે... મીરાં મેં તને શું નથી આપ્યું? તો આજે હું કંઈ માંગું તો આપીશ?'

‘આપ્યું, તું જે માંગે, એ આપ્યું. બોલ શું જોઈએ છે?' અધીરાઈથી મધુકર બોલ્યા.

‘તું મને આ હત્યાના અપરાધ સબબ શક્ય હોય તેટલી વધુમાં વધુ સમયના કૈદની સજા અપાવી શકીશ?' ઠંડે કલેજે મીરાં બોલી...

પાંચથી સાત સેકન્ડના તીવ્ર ભૂકંપના આંચકાથી જે રીતે ગગનચુંબી ઈમારત પણ પત્તાના મહેલની જેમ ફસડાઈને ક્ષણમાં કાટમાળમાં તબદીલ થઇ જાય, એમ મધુકર પણ તેના તૂટી પડેલાં આત્મવિશ્વાસ અને મનોબળ સાથે ભાંગી ગયો. મીરાંના આ વાક્યના તળનો મર્મ મેળવવો અઘરું નહીં પણ અશક્ય છે, એ વાતની હવે મધુકરને ઠોસ ખાતરી થઈ ગઈ. પરાજિત યોદ્ધાની માફક મનોમન હતાશાથી હારનો સ્વીકાર કરતાં સવાલોના શસ્ત્રો હેઠાં મૂકીને, મણ એકના નિસાસા સાથે મધુકર બોલ્યો..

‘ઠીક છે મીરાં. તારાં આ અભૂતપૂર્વ, અનુઠી અભિધારણાનું અનુમાન આંકવા માટે હું અસમર્થ છું. તારાં જે કોઈ પણ વિધાન હોય, એની સાથે હું સમાધાન કરવાં તૈયાર છું. હવે હું તને મળવા નહીં આવું. જે કંઈપણ જરૂર હોય મને કોલ કરી દેજે. પોલીસ શક્ય એટલી તારી હેલ્પ કરશે. કોઈ એક જ ઝાટકાના ઘામાં આપઘાત કરે, તો કદાચ સમયાંતરે તે આઘાતના કળ વળવાની શક્યતા ખરી. પણ... તેં તો સૌની નજર સમક્ષ રોજ આત્મહત્યા કરવાનો નિર્દય નિર્ણય લઈને કંઇકને અધમૂવા કરી નાખ્યાં. મીરાં.’

અંત:કોપ, આવેગ, આવેશ, અપ્રતિકાર, ઓશિયાળાપણાં જેવી કઈંક વિષમ વિસંવાદિતાની ભાવનાની વેદના સામે વિવશ થઈને મધુકર આટલું બોલ્યા.

‘ચાલો ઠીક છે, આટલું તો સમજાયું કે, હું રોજ આત્મહત્યા કરી રહી છું. સબબ સમજવામાં માટે સમય જોઇશે. સૌની સમજણ એક સપાટી પર લાવવાં મેં આ હત્યા કરી છે. પૂર્વરાગ સાથે પૂર્વગ્રહ રાખવાની સજા રૂપે, મેં આ પગલું ભર્યું છે. અકાળે આવેલાં કોઈનાં જીવતરની પાનખરમાં ખરેલા પર્ણ જેવી પીળાશને, વસંતમાં લીલી પરિક્રમા જેવી પરિકલ્પના કરાવવાનાં વિસરાયેલા વાયદાનું ગેરકાયદેસર રીતે ઋણ અદા કરવાની કોશિષ કરું છું. પરિપક્વતાને નજરઅંદાજ કરવાનો દંડ ચૂકવી રહી છું. જેમ કોઈ કોમળ કૂંપળ પણ કઠોર કંકર ચીરીને ફૂટી નીકળે, એમ ધબકારો ચૂકી જવાય એવી એક ક્ષણમાં, જન્મારો જીવી લેવાના કોડ જાગે એવા મમત્વનો મર્મ જાણવાં એક આખો જન્મારો જોઈએ, મધુ. બસ... શક્ય હોય ત્યાં સુધી મને માફ કરજે. જન્મજાત ખોડ છે. લોહીના ઘટકો લઈને આવેલી લાગણીથી કોઈને લૂંટવા કરતાં લૂંટાઈ જવું વધુ ગમે છે.’

મહદ્દઅંશે મર્મસ્પર્શી મીરાં આજે આંસુ સાથે પાષાણને પણ પીગળાવે, તેવી પીડાના ઘૂંટડા પણ હસતાં હસતાં ઉતારી ગઈ હતી.

નિ:શબ્દ મધુકર, ચૂપકીદી સેવી અને આંસુ સારતાં ત્યાંથી ચાલી નીકળ્યો. પોલીસના ઉચ્ચ્ચાધિકારી અને ટોપ મોસ્ટ સિનીયર એડવોકેટ સાથેની મંત્રણા પર પૂર્ણ વિરામ મુકીને મધુકર માંડ માંડ મીડિયાની ભીડથી બચીને બંગલા પર આવ્યો.

કબીરને તો હવે મીરાંને મોઢું બતાવવા કરતાં સંતાડવાની વધુ શરમ આવતી હતી. એટલે એ પણ રવાના થઇ ગયો.

ત્યાં પોલીસ સ્ટેશને અર્જુન ઘાંઘો થઈને અવની અને કેશવમામાને લઈને આવી પહોંચ્યો. એડવોકેટ કેશવમામાના કોન્ટેક્ટથી આવ્યા મીરાંની કોટડી પાસે.

‘એલી... આ તેં શું કર્યું? સમાચાર સાંભળ્યા ત્યારનું માથું ભમે છે.' આશ્ચર્યના આંચકા સાથે અર્જુને પૂછ્યું.
સાવ બેફીકર થઈને હસતાં હસતાં બોલી..

‘અર્જુન તને યાદ છે? તેં મને એક વાર પૂછ્યું હતું કે આ કમરે લટકાવેલી ફટાકડી રોફ જમાવવા માટે છે કે ક્યારેક ફોડી પણ છે? ત્યારે મેં જવાબ આપ્યો હતો કે, જે દિવસે ફૂટશે તે દિવસે તને ઘરે બેઠાં ખબર પડી જશે.. જો ફૂટી ને?'

‘પણ મીરાં..ઇટ્સ મોર ધેન ટુ મચ. યાર...તું કંઈ માટીની બની છે? શું શું.. સાબિત કરવું છે તારે? એક કામ કર. એકાદ ગોળી મને પણ ધરબી દે. આઆઆ...આ મારાથી નહીં સહન થાય.’ આટલું બોલતા અર્જુન અને અવની બન્નેની આંખોથી અશ્રુધારા વહી નીકળી.

‘જે મિહિર સાબિત ન કરી શક્યો, હું તેનું પ્રયાશ્ચિત કરું છું. બસ. રાજપૂત છું. યાર કોઈનું ઋણ લઈને તો કેમ મરું?’ એકદમ શાંતિથી મીરાંએ જવાબ આપ્યો.

‘મીરાં.. મીરાં... મીરાં...' જેલના સળિયા પર માથું પટકાવતાં અવની બોલી..

‘આઆ...આને બીજું કંઈ નથી.. નામ મીરાં છે ને, એટલે ઝેરના ઘૂંટડા પીવાના અભરખા જગ્યા છે.... પણ યાર મીરાં..હજુ કેટલું ઝેર પીશ?' બે હાથ જોડતાં અર્જુન બોલ્યો.

‘પણ જો અર્જુન, આજે એક વાત તો સાબિત થઇ ગઈ કે.... ઝેર મીરાંના ભાગે જ આવે.’ હસીને મીરાં બોલી..

‘પણ તેં મિહિરનું મર્ડર કર્યું શા માટે? એ જ નથી સમજાતું.' અવનીએ પૂછ્યું
‘એ રહસ્ય એ દિવસે ખુલશે, જે દિવસે આ જેલના દરવાજા હંમેશ માટે ખુલશે. ચલો છોડો હવે... અર્જુન, તારે મારાં પર મોટો ઉપકાર કરીને, મારી મરણમૂડી જેવી જીવથી વ્હાલી જણસને જતનથી તારી પાસે સાચવી રાખવાની છે. તારો ફોન આપ મને.’

અર્જુનના ફોનમાંથી સ્કાયલાઈન હોટેલના ઓનર કુલદીપ શર્માને કોલ લગાવ્યો...

‘હેલ્લો... મીરાં રાજપૂત બોલી રહી છું.’
આટલું સાંભળતાં તો કુલદીપ શર્માને લઘુ અને ગુરુ બન્ને શંકાના સંકેત મળી ગયા.
‘જીજી....જી બોલો.’
‘આજે આ મોબાઈલ નંબરનો મોબાઈલ લઈને અર્જુન નામનો વ્યક્તિ આવશે. તેને
મેં તમને આપેલું બંધ કવર જે હાલતમાં આપેલું તે આપી દેજો બસ.’
‘યયય..યસ મેડમ,’
‘થેન્ક્સ.’ કહીને કોલ કટ કરતાં મીરાં આગળ બોલી,
‘હમણાં જે નંબર ડાયલ કર્યો, એ સ્કાયલાઈન હોટલના ઓનર કુલદીપ શર્માનો છે. ત્યાં જઈને જસ્ટ મારું નામ આપજે. અને જે બંધ કવર એ આપે, એ હું મરી ન જાઉં ત્યાં સુધી તારી પાસે અકબંધ રાખજે.’

‘આઆ..આ બધું શું છે મીરાં?' અવનીએ પૂછ્યું.
‘મને સમજાઈ જશે તો તને કહીશ.’ ભેદનો છેદ ઉડાડી દેતા મીરાંએ જવાબ આપ્યો.

અપાર લાગણી સામે લાચારીની નાદારી નોંધાવીને ભારે પગલે સૌ નીકળી પડ્યાં..

ત્યાંથી અર્જુન મીરાંની સુચના મુજબ લઇ આવેલાં કવરને અતિ સુરક્ષિત જગ્યાએ સાંચવીને સંતાડી દીધું.

આ બધી દોડધામમાં આ અકલ્પિત ઘટનાની જાણ વૈશાલીબેનના કાને પડતાં, તેઓ બેભાન થઇ ગયા. સર્વન્ટે તેની સુઝબુઝથી હોસ્પિટલાઈઝ કર્યા. મધુકરને જાણ કરી. ઈમર્જન્સી માટે સર્વન્ટ પાસે અર્જુન અને અવનીના નંબર હોવાથી તેમને પણ ઇન્ફોર્મ કર્યું. મધુકર અને અર્જુને અવનીને વૈશાલીબેનની દેખરેખ માટે હોસ્પીટલમાં રોકીને મીરાંને જાણ કરી. પણ... મીરાં પહેલે થી જ આ પરિસ્થિતિ માટે માનસિક રૂપે તૈયાર જ હતી. એટલે કાળજું કઠીન કરીને અર્જુન અને અવની જોડે વાત કરીને શક્ય હોય ત્યાં સુધી સ્થિતિને સીમારેખામાં સીમિત રાખવા સૂચના આપી.

સાંજ પહેલાં મિહિરનો પોસ્ટ મોર્ટમ રીપોર્ટસ પણ આવી ગયો. ચાર વાગ્યે મીરાંને મીડિયાના વરઘોડા સાથે કોર્ટમાં નામદાર ન્યાયાધીશ સમક્ષ રજુ કરવામાં આવી.
કોર્ટના પરિસરમાં હૈયું દળાય એવી ભીડ એકઠી થઇ હતી. પોલીસ અધિકારીએ પેપર્સ અને પુરાવાઓ રજુ કરતાં સંગીન આરોપમાં, આરોપી તરફથી કોઈ ડીફેન્સ ન હોવાથી જજને પણ નવાઈ સાથે મીરાંને પૂછતાં મીરાંએ માત્ર એટલું જ કહ્યું કે.. 'આ નિર્મમ હત્યા મેં જ કરી છે.’ કારણ પૂછતાં જવાબ આપ્યો કે, મરનાર સાથે વર્ષો પહેલાં થયેલા મનમોટાવથી બદલો લેવાની ભાવના સાથે મેં હત્યા કરી છે.’

પોસ્ટ મોર્ટમ રીપોર્ટસનો અભ્યાસ કરતાં સ્પષ્ટ થતું કે.. નજીકના અંતરેથી છ રાઉન્ડ ફાયર કરીને હત્યા કરવામાં આવી છે. ન્યાયાધીશે, એ સંપૂર્ણ તપાસ બાદ, મીરાંને પોલીસ કસ્ટડીમાં લઇ જવાના આદેશ આપતાં ફરી મીરાં ધકેલાઈ જેલમાં..


મીરાંએ વગર હથિયાર ઉપાડ્યે, સૌની હિંમત અને હથિયાર બુઠ્ઠા કરી નાખ્યા હતાં.
ન જીવી શકો, ન મરી શકો, ન મારી શકો કે ન હસી શકો. કે ન રડી શકો. મીરાંએ સૌને એવી દુર્દશાની દિશામાં ધકેલી દીધા હતાં.

જે જગ્યાએથી કબીર ભૂંડી રીતે પછડાયો હતો, ત્યાંથી ઊભા થઈને નવી લાઈફ શરુ કરવી તેના માટે અશક્ય તો નહીં પણ કઠીન હતું. જીવનમાં પહેલીવાર કોઈ સ્ત્રીએ કબીરની આત્માને આટલી ઝણઝણાટીથી જંજોડ્યો હતો. માનવતા અને મમતાનાં મૂલ્યોનું ભાન કરાવ્યું હતું. હાથથી હોંઠ, અને હોંઠથી હૈયાં સુધી આવી રહેલાં પ્રિતી પ્યાલાને ભરી પીવા મંદબુદ્ધિને આંટી મારે તેવી મુર્ખ શિરોમણીની ઉપાધિ લઈને કરેલાં પાવલીભરનાં પ્રદર્શન પર, પારાવાર પ્રકોપ સાથે પસ્તાવો પણ થતો હતો. પણ હવે વગર કમાને તીર છૂટી ગયા જેવી, કબીરની મુઢાવસ્થા જેવી મનોદશા હતી..

પંદર દિવસની પોલીસખાતા સાથે દરેક વિભાગની ઝીણવટ ભરી તપાસ અને સૌનાં નિવેદન અને પુરાવાઓના અંતે ઓન પેપર સ્પષ્ટ થઇ ગયું કે મિહિર ઝવેરીની હત્યા મીરાં રાજપૂતે જ કરી છે. ચુકાદો આપતાં પહેલાં અંતિમ વાર મીરાંની સફાઈ પૂછતાં મીરાંએ ફરી એ જ વાતનું રટણ કર્યું, 'આ જધન્ય અપરાધ મેં જ કયો છે. મિહિર ઝવેરીનું ખૂન કરવા માટે મને કોઈ જ રંજ નથી.’ અફસોસના લેશમાત્ર અંશ વિહીન મીરાંના ચહેરા પરના ભાવ સાથેનાં આ બેધડક નિવેદનથી કોર્ટમાં સ્તબ્ધતાનું એક મોજું ફરી વળ્યું.

ન્યાયાધીશ તેનો ફેંસલો સુણાવતાં મીરાંને બાર વર્ષની કારાવાસની સજા ફટકારવામાં આવી. આ સાંભળતાં મીરાંએ સસ્મિત બે હાથ જોડીને નત મસ્તકે જજનો આભાર માન્યો. અને... ચિક્કાર મેદની વચ્ચેથી મીરાંને લઇ જવાઈ સેન્ટ્રલ જેલ.

બે દિવસ બાદ વૈશાલીબેનનું સ્વાસ્થ્ય સાધારણ થતાં, અવની તેમને તેનાં ઘરે લઇ આવી. મીરાંને મળવાની વૈશાલીબેનની જિદ્દ આગળ ઝૂકીને એક દિવસ અવની તેમને લઈને સેન્ટ્રલ જેલ લઈને આવતાં મીરાંની દેહાવસ્થા જોઇને વૈશાલીબેન ભાંગી પડ્યા. મજબુત અને મક્કમ મનોબળ કરીને વૈશાલીબેનને ખુબ સાંત્વના સાથે સંભાળતા માંડ માંડ પરિસ્થિતિ થાળે પડી. જતાં જતાં વૈશાલીબેન એટલું જ બોલ્યા...’જે ડર વચ્ચે હું આટલા વર્ષો જીવતી હતી, એ મિહિર ઝવેરી નામનો ડર અંતે જીતી ગયો.’


હવે..મધુકરને મીરાંના ભેદભરમ જેવા ભવના ભાવિ પર પૂર્ણવિરામનાં ચિન્હો દેખાઈ રહ્યાં હતાં. મધુકરે નક્કી કર્યું કે જ્યાં સુધી આ ધમાકાના ધબકારા ધીમા અથવા ધૂંધળા ન પડે, ત્યાં સુધી પરદેશ જતું રહેવું......આગળની ભવિષ્યવાણી મીરાંનું
ભવિષ્ય અને સભાનતા નક્કી કરશે...પણ એવી તે કઈ વાત હશે કે, એ ક્રિમીનલ મિહિર ઝવેરીનું કત્લ કરીને, નિર્દોષ થવાનાં બધાં જ રસ્તા ખુલ્લાં હોવા છતાં ના પડે છે? બસ એ વાતનો કોઈ કાળે તાળો નહતો મળતો.

બે દિવસ બાદ.. વિદેશ જવાના આગલાં દિવસે મધુકર મીરાંને મળવા કારાગૃહમાં ગયા. જેનાં દેહ લાલિત્યને જોતા વેત જ ધબકારો ચુકી જવાય, એ કામણગારી કાયાની સ્વામિનીને કૈદીના પરિવેશમાં જોતાં જ, મધુકરની ચિત્તદશા ચકરી ખાઈ ગઈ. માંડ માંડ જાતને સ્વસ્થ કરતાં પોતાનો નિર્ણય જણાવ્યો. અહીં મીરાંની તમામ જવાબદારી તેના અંગત મિત્રને સોંપી હતી. જતાં જતાં ભારે હૈયે મધુકરે એટલું જ પૂછ્યું..

‘કંઈ કહેવું છે, મીરાં?'

બે મિનીટ અવિરત મધુકરના સજળ નેત્રોમાં જોઈને મીરાં બોલી..

‘મધુ, તને આપણી હનીમુન ટ્રીપ યાદ છે? જયારે ન્યુયોર્કના ટાઈમ સ્કેવર કોફી પીતા મેં તને પેલા કમરેથી વાંકા વળી ગયેલા વૃદ્ધ કપલ તરફ ઈશારો કરીને કહ્યું હતું કે...છેક આ ઉંમરે આપણે અહીં સેટલ થઈશું?'
આટલું સાંભળતા મધુકરના અશ્રુપાતની માત્રા વેગ સાથે વધી ગઈ...
‘ના...એટલો સમય નહીં.. પણ તું અહીંથી બહાર નીકળે એટલે આપણે હંમેશ માટે ત્યાં સ્થાયી થઇ જઈશું. બસ.’

આટલાં દિવસો પછી પહેલીવાર આંખમાં આવેલાં સરતાં આંસુ સાથે મધુકરના ભીના ગાલ લુંછતા મીરાં બોલી...

‘થેન્ક્સ મધુ, બસ તારા આ એક વાક્યના સહારા સાથે હું બાર વર્ષનો વનવાસ વિતાવી લઈશ. તારું ધ્યાન રાખજે. અને...સાંભળ.. બોર્નવિટા પીતો રહેજે.’

જેની જાહોજલાલીની પરિભાષા માટે શબ્દકોશ ટૂંકો પડતો એ વ્યક્તિ બાર વર્ષના કૈદની સજા ભોગવી રહી. છતાં તેનું મનોબળ આટલી હદ સુધીનું મક્કમ અને મજબુત રાખી શકે એ જાણીને જતાં જતાં મધુકરને એમ થયું કે હજુ પણ મોડું નથી થયું...

મીરાંના કારાવાસના સમય દરમિયાન....
અર્જુન અને અવની.. સમયાન્તરે મીરાંને મળવા આવતાં. સૌ પોતપોતાના વિનોદ સાથે વ્યથા ઠાલવીને હળવાં થઇ જતાં. પણ... વૈશાલીબેન માટે અંતે આ આઘાત જીવલેણ જ નીવડ્યો. છ મહિના પછી આવેલાં એક સિવિયર હ્રદયરોગનાં હુમલામાં તેણે અંતિમ શ્વાસ લીધાં. અંત્યેષ્ઠી માટે પરમીશન મળતાં હાજર રહીને કઠોર કાળજે શ્રદ્ધાસુમન અર્પણ કરતાં વૈશાલીબેનને અશ્રુભીની અંજલિ આપી.

સમય ભૂત, વર્તમાન અને ભાવિના પરિવેશ બદલતો રહ્યો. પાંચ વર્ષ પસાર થઇ ગયા...એક જ વર્ષમાં મધુકર, વિરાણી હાઉસમાં એ જ તેની જૂની ઘરેડ સાથે સેટ થઇ ગયો હતો.. મીરાંની ઘટનાના બીજા જ મહીને કબીરે વિરાણી હાઉસમાંથી રાજીનામું આપી દીધું હતું. આ પાંચ વર્ષ દરમિયાન કબીરે ઘણી વાર મીરાંનો સંપર્ક કરવાના પ્રયત્ન કર્યા. પણ વ્યર્થ.. મીરાંએ કહ્યું, કે,...

‘જે દિવસે તે સજા પૂરીને બહાર આવશે તે દિવસે પહેલો કોલ તેને કરશે.’

મધુકરના સરકાર સાથેના સતત કોન્ટેક્ટ અને અનુભવી એડવોકેટે કાયદાના આધારે અંતે મીરાંની છેલ્લાં બે વર્ષની સજા માફ કરી દેવામાં આવી અને... દસ વર્ષ પછી, મીરાંએ તપસ્યા જેવા પ્રાયશ્ચિતના પારણાં કર્યા. મીરાં હવે મહદ્દઅંશે ધીર ગંભીર થઇ ગઈ હતી.

અગાઉથી નક્કી કર્યા મુજબ મીરાંની શર્ત હતી કે, જેલમાંથી છૂટ્યા પછીના અડતાળીસ કલાકમાં જ તે ઇન્ડિયા છોડી દેશે..હંમેશ માટે. અને આજે મીરાં અને મધુકર ન્યુયોર્ક જવા એરપોર્ટ પર આવી ગયા હતાં.. મીરાંના શરીર પર મંગળસૂત્ર સિવાય એક પણ ઘરેણું નહતું..અને સાવ સાદગીના લિબાસમાં.. પ્યોર ખાદીની સફેદ સાડી અને બ્લેક બ્લાઉઝ. મધુકરને કહ્યું કે, તમે ચેક ઇન કરો ત્યાં સુધીમાં હું આવી. અગાઉથી જાણ કર્યા પ્રમાણે અર્જુન, અવની અને કબીર સૌ એરપોર્ટ પર આવી ગયા હતા. અવની મીરાંને ભેટીને ખુબ રડી. અર્જુન બસ આંખોના ઝળઝળિયાં સાથે મીરાંને ચુપચાપ જોતો જ રહ્યો...અંતે મીરાંએ તેની બહુપાશમાં લઈને શાંત પાડતાં પૂછ્યું...

‘અર્જુન પેલું કવર લાવ્યો છે?’
‘હા.’ અર્જુન બોલ્યો.
‘ઠીક છે’ એ પછી બાજુમાં ઊભેલા કબીરને સંબોધતા બોલી.
‘મિ.કબીર, અર્જુન તમને એક લેટર આપશે, એ વાંચજો. એટલે કદાચ તમને, પામ્યા વગરના પ્રેમની પરિભાષા સમજાઈ જાય. થેન્ક ગોડ કે... તે રાત્રે તમે દારૂના દમ પર પણ, તમે તમારી અસલી ઔકાત ઓકી નાંખી. અને અર્જુન પહેલાં આ લેટર તું વાંચી લે અને પછી મિ.કબીરને આપજે. પણ હું કોલ કરું પછી જ કવર ઓપન કરજે,’

આટલું બોલ્યા પછી એક સેકન્ડ પણ મીરાં ત્યાં ઊભા રહ્યા વગર જતી રહી.

લગેજ, ઈમિગ્રેશન, સિક્યોરીટી ચેક અને કસ્ટમ્સ, તમામ કાર્યવાહીમાંથી પસાર થઈને ફ્લાઈટની સીટ પર બેઠાં પછી અર્જુનને આદેશ આપ્યો કે... એ લેટર વાંચે...

જેમ કોઈ કીર્તિમાન સ્થાપિત કરવા જઈ રહેલી મિસાઈલને અંતરીક્ષમાં છોડવાની અંતિમ ક્ષણો ગણાઇ રહી હોય, એમ રાહ જોતાં અર્જુને ધ્રુજતા હાથે કવર ખોલીને વાંચવાનું શરુ કરતાં સુધીમાં તો અર્જુનનું સમગ્ર શરીર ધ્રુજવા લાગ્યું.... અંતે એક તીણી ચીસ સાથે રાડ ફાટી ગઈ....

‘ઓહહ.... માય ગોડ.... મીરાં આ તે શું કર્યું ..? હે ભગવાન..!'

અર્જુનની હાલત જોઇને કબીરે લેટર તેના હાથમાં લઈને વાંચતા.... એમ થયું કે.. તેની જાત ઉઘાડી કરીને ફિટકાર સાથે ચાબખાં ફટકારવાનું મન થયું...માત્ર પ્રેમનાં નામ પર આ હદનું સમર્પણ? અને હવે તો... કદાચને કબીર, મીરાં માટે જીવ કાઢી આપી દે તો પણ... તેની કિંમત શૂન્ય હતી.

તે રાત્રે સ્કાયલાઈન હોટલમાં.....

‘મેં કોઈપણ સમય, સંજોગને માત આપી છે. પણ.. મારા જેવા એક અપરિચિત પર તમે અસીમિત શ્રધ્ધા સાથે મને મનોમન અપ્રતિમ આત્મપ્રિયતાને કાબિલ સમજ્યા પછી, મારા કલંકિત ભૂતકાળની સ્યાહીના છાંટા ઉડવાથી, જે હદે તમારો દિવ્યાઆત્મા દુભાવવાનો હું નિમિત્ત બન્યો છું, અને જ્યાં સુધી તમારી નજર સમક્ષ તેનું પ્રાયશ્ચિત નહી કરું, ત્યાં સુધી ઘવાયેલાં મારા સ્વાભિમાનને મોક્ષ નહીં મળે.’

મિહિર ઝવેરીના આ સંવાદ પછી ગળગળી થઈને મીરાં બોલી...

‘મિહિર..., તમે તમારી અસીમિત વહેતી ગ્લાનીની જલધારા, ગંગાથી પણ પાવન છે..
પ્લીઝ.., હવે એકવાર મારી સામેં જુઓ તો ખરા...!’

એ પછી મિહિર બોલ્યો.....
‘હવે મારી વાત સાંભળો.. મારા કોટનાં ખિસ્સામાં રાખેલા કવરમાં એક પત્ર છે. મારા ગયા પછી, એ કોટમાંથી કાઢી લેજો . હું તમને મારો ચહેરો એટલે નથી બતાવી શકતો, કે જે રાત્રે હું તમને એ શ્રધ્ધા અને સ્નેહની ચરમસીમા પર છોડીને ભાગી છૂટ્યો હતો, એ શ્રધ્ધા અને સ્નેહને પામવા છેલ્લાં સાત વરસથી હું ભટકતો હતો અને.... હું તમારી માફી પણ ન માંગી શક્યો, એ ડંખના શરમથી આજે પણ મારું માથું ઝુકી જાય છે.... આજે મિહિર ઝવેરી એક પ્રમાણિક ખાનદાનનું લોહી છે. એ સાબિત કરવા તમારી સમક્ષ પ્રયશ્ચિતનાં પ્રમાણમાં પોતાનાં પ્રાણ અપર્ણ કરે છે...’

મિહિરના શબ્દો પુરા થાય એ પહેલાં તો .......ધાધાધા....ધાડ કરતાં એક ધડકા સાથે મિહિર ઢળી પડ્યો.. અને કાનના પડદા ચીરી નાખે એવી ગળું ફાડતી મીરાંની ચીસ નીકળી ગઈ.... અને ત્યાં મીરાંનો મોબાઈલ રણક્યો.....એ કોલ કબીર નો હતો ...

‘તું..તું તું.. તો રા...’

મિહિરે તેની જ રિવોલ્વર તેના લમણે ધરીને...ટ્રીગર દબાવતા..હવે ત્યાં લોહીથી લથબથ મિહિરની લાશ પડી હતી... એક તરફ બે મિનીટ પહેલાં હસતાં હસતાં વાતો કરતા મિહિરની લાશ અને એક તરફ એ કબીર કે જે.... કરીબ થવા જઈ રહ્યો હતો, તેનો નીચ કક્ષાની ગાળોનો વરસાદ વરસાવતો કોલ...!

સાવ બાઘાની જેમ પુતળું બનીને મિહિરની રિવોલ્વર તેના હાથમાં લઈને, તેની લાશ પાસે ખુદ લાશ જેવી બનીને ડોળા ફાડીને ટગર ટગર લાશને જોતી રહી.
પછી ચોધાર આંસુ સારતાં બોલી......

‘એ મિહિર..સાલા આટલો પ્રેમ કોઈ કરતું હશે? હું રાજપૂત હોવા છતાં મારું ગજું નથી તારા પ્રેમને પહોંચી વળવાનું. હરામી..સાત ... સાત... વર્ષમાં એએએ..એક કોલ... એક એક કોલ ન કરી શક્યો? અરે.... મારા વ્હાલીડા તારા આટલા સમર્પણ માટે તો આ મીરાં રાજપૂત, મારા મિહિર પર એક નહીં સાત સાત જન્મ કુરબાન કરી આપત......હવે રાજપૂત એકલી આ ઋણનો ભાર કેટલા જન્મ ઢસરડશે? બોલ, ઊભો થા, જવાબ દે મને..'

થોડીવાર તો મીરાંને એમ થયું કે... રિવોલ્વરની બાકીની ગોળીઓ જાત

Bookstore

પ્રકરણ-ત્રેવીસમું/૨૩રીસેપ્શનની ઠીક સામે આવેલાં એક પારદર્શક બંધ ગ્લાસની ચેમ્બરમાં જાણે કે, મીરાં અને મિહિરની નિષ્ઠૂર નિયત...
31/10/2020

પ્રકરણ-ત્રેવીસમું/૨૩

રીસેપ્શનની ઠીક સામે આવેલાં એક પારદર્શક બંધ ગ્લાસની ચેમ્બરમાં જાણે કે, મીરાં અને મિહિરની નિષ્ઠૂર નિયતિનું પ્રતિનિધિત્વ કરતાં હોય એમ જોગાનુજોગ ઉપસ્થિતી અને અતિ આશ્ચર્યના ઉદ્દગાર સાથે...અચનાક જ સોફા પરથી ઉભાં થતાં કબીર બોલ્યો....

‘ઓહહ.. માય ગોડ!....મીરાં રાજપૂત... અહીં? આ સમયે? એકલી? અને એ પણ આટલી બની ઠની ને?'

બે વાર આંખો પટપટાવી કબીર ખાતરી કર્યા પછી મનોમન બોલ્યો,
મીરાં રાજપૂત જ છે ને? હા... છે તો મીરાં રાજપૂત જ.

કબીર ત્યાં તેના મિત્ર ખાસ મિત્ર અંશુમન ગુપ્તાને મળવા આવ્યો હતો. અંશુમન ગુપ્તા એટલે સ્કાયલાઈન હોટેલના ઓનર કુલદીપ શર્માનો સાળો. જે અત્યારે કબીરની બાજુમાં જ ઊભો હતો. કબીર જે રીતે મીરાંને જોઈ રહ્યો હતો તે જોઇને અંશુમને પૂછ્યું,

‘અરે..ઐસે ક્યા દેખ રહા હૈ?'
કબીરે ઇશારાથી મીરાંનું વર્ણન કરતાં અંશુમનને પૂછ્યું,
‘વો રીસેપ્શન કે પાસ ખડી લેડી કો પહેચાનતા હૈ તું?'
અંશુમને મીરાંને જોતાં કહ્યું,
‘અરે.. ક્યા યાર કબીર. હાઈ સોસાઈટી મેં ઉનકો કૌન નહીં પહેંચાનતા? મિસિસ મધુકર વિરાણી હૈ. કયું ક્યા હુઆ?'
થોડીવાર વિચારીને કબીર બોલ્યો,

‘પ્લીઝ, યાર પતા કરના કયું આઈ હૈ યહાં?'
‘કબીર...આર યુ મેડ? ઇટ્સ કોન્ફીડેન્સીયલ મેટર યાર. ઇસમેં હોટેલ ઔર હમારે કસ્ટમર દોનોં કી પ્રેસ્ટીજ કા ઇસ્યુ હૈ. પર બાત ક્યા હૈ? કુછ પર્સનલ હૈ ક્યા?'
કબીરની સામે જોઈને અંશુમન બોલ્યો,

‘ઇતના પર્સનલ કી.... યે યહાં આયી હૈ.. ઇસકે પીછે અગર કોઈ બડા રાઝ નિકલા તો...સમજ લે દોસ્ત, વિરાણી ઇન્ડસ્ટ્રીઝ મેરી મુઠ્ઠી મેં હોગી, બસ ઇતના સમજ લે.’

આટલું સાંભળીને અંશુમન સત્બ્ધ થઇ ગયો. કબીરની વાત પાછળનું રહસ્ય ખુબ ગુઢ અને ગાઢ હતું, એ અંશુમનને સમજાઈ ગયું. અંશુમનનું લાલચુ મન પણ લપસ્યું કબીરની ચીકણી ચુપડી વાતો પાછળ.

ત્યાં સુધીમાં મીરાં લીફ્ટમાં એન્ટર થઇ ગઈ હતી.

અને કબીરનો જીવ પાણી વગરની માછલીની જેમ ફફડતો રહ્યો.

‘અરે.. પ્લીઝ.. યાર તું કુછ પતા કરના. ફિર મેં તુજે બતાતા હૂં અંદરકી બાત.’
અધીરાઈથી કબીર બોલ્યો.
‘હા.. ઠીક હૈ.. મેં ટ્રાય કરતાં હૂં.’ એમ કહીને બિલકુલ સ્વસ્થ થઈને રીસેપ્શન પર જઈને મેનેજર સાથે થોડી આડી અવળી વાતો કર્યા પછી મીરાં વિષે પૂછ્યું. અંશુમન
ઑનરનો સાળો હતો એટલે.. મેનેજરે પ્રોટોકોલની વિરુદ્ધ જઈને અંશુમનને ટૂંકમાં વાત કરી. દસ મિનીટ પછી સાવ નોર્મલ જેવું વર્તન કરતાં ફરી આવ્યો કબીર પાસે.

કબીર અધીરાઈથી એટલો બેબાકળો હતો જાણે કે, અંશુમન કોઈ છુપા ખજાનાની ખબર લઈને આવવાનો હોય! અંશુમનના આવતાં વેત જ આતુરતાથી કબીરે પૂછ્યું.

‘પતા ચલા?'
‘વો યહાં અપને કિસી ગેસ્ટ સે મિલને આયી હૈ.’ અંશુમન બોલ્યો.
‘ગેસ્ટ? ઔર યહાં? કૌન હૈ મેલ યા ફીમેલ?' કબીરે ઉત્સુકતાથી પૂછ્યું.

‘મેલ.’

‘નામ?' તલપાપડ થઈને કબીરે પૂછ્યું..

‘સોરી...દોસ્ત.. ઇસે સે આગે તો આગ લગ જાયેગી. ક્યું કી તું મેરા જીગરી યાર હૈ તો ઇતના બતાયા. વો ભી તુમ પે ભરોસા કર કે. ઔર યે બાત સિર્ફ હમ દોનો કે બીચ હી રહેની ચાહિયે વરના... તું સમજ સકતા હૈ યે મામુલી બાત નહીં હૈ. અચ્છા તું બૈઠ મેં થોડા કામ નીપટા કે આતા હું અભી.’ એમ કહીને અંશુમન તેના કામે વળગ્યો.

હવે કબીરની અકળામણ સ્પ્રિંગની માફક ઉછળવા લાગી.

આ તરફ...

લીફ્ટમાં એન્ટર થતાં. લીફ્ટના મિરરમાં જોઇને મીરાં તેના શણગારને ફરી એકવાર નીરખી લેવાની લાલચ રોકી ન શકી.. હેયર સ્ટાઈલને વ્યવસ્થિત કરતાં ધીમા સ્વરે ગણગણવા લાગી...

‘સજના હે મુજે... સજના કે લિયે... સજના... હ્મમ્મ્મ્મ.. હમ્મ્મ્મ હમમ.' પછી થોડી શરમાઈ ગઈ.

સાત વર્ષ પહેલાં પ્રેમાંકુરની ફૂટેલી કૂંપળને આજે સાત વર્ષ પછી પરિપૂર્ણ પાંગરેલા પુષ્પ સ્વરૂપે નિહાળી, તેનાં પમરાટમાં ભળી જવા મીરાં દર્શનાતુર હતી.

સત્તરમાં ફ્લોર પર આવીને જે સ્યુટમાં મિહિર હતો, તેના ડોર પાસે આવીને ડીજીટલ કી કાર્ડથી ડોર ઓપન કરીને ધબકતાં હૈયે અંદર પ્રવેશતાં મીરાંએ જોયું તો...વિશાળ રૂમના સામેના છેડે બારી પાસે મિહિર, મીરાં તરફ પીઠ રાખીને ઊભો હતો. બ્લેક શૂટ, બ્લેક શૂઝ, બ્લેક હેટમાં સજ્જ મિહિર બોલ્યો..

‘વેલ કમ.’

આટલું સાંભળતા મીરાં, એ એક સેકંડ માટે ધબકારો ચુકી ગઈ. અને પછી આંખો મીચી દીધી.

‘બેસ.’ ફરી મિહિર બોલ્યો.

સ્હેજ સ્વસ્થ થઈને સોફા પર બેસતાં મીરાં બોલી..
‘પણ મિહિર.. કેમ ત્યાં આટલો દૂર ઊભો રહી અને મોઢું ફેરવીને વાત કરે છે?'

‘વીતેલા સાત વર્ષ કરતાં તો નજદીક જ છું ને? અને મોઢું તો મુકદ્દરે સાત વર્ષ પહેલાં જ ફેરવી લીધું હતું.’ એમ કહીને ખુબ શાંતિથી મિહિરે ગતકાલીનના ગુલદસ્તામાંથી એક પછી ભૂલના ફૂલ ચૂંટવાનું શરુ કર્યું.

‘મિહિર... અતીતની ભૂલો વાગોળીને વ્યથિત થઈ, વ્યર્થ સમય વેડફવા કરતાં આપણે આ વરદાનમાં મળેલી અમૂલ્ય પળોને ન માણી શકીએ?'
મિહિરના ઉત્તરથી નારાજ થઈને મીરાંએ પૂછ્યું.

‘અને સાત વર્ષમાં જે વેડફાઈ ગયું એ? ચલો છોડો...પહેલાં મારે જે કંઈ કહેવું છે એ સાંભળી લે..એ પછી તારા વિષે રખેને જો મારી જાણ બહાર કંઈ હશે તો પૂછી લઈશ.’
મિહિર બોલ્યો.

‘મારા વિષે શું ખબર છે?’ વિસ્મયકારક ઉદ્દગાર સાથે મીરાંએ પૂછ્યું..

‘એ જ કે તને ખબર નથી કે, મને ખબર છે.’
પઝલ જેવો જવાબ આપતાં મિહિર બોલ્યો.

‘ઓહહહ... તો તો કહે.. મને સાંભળવું ગમશે. પણ શક્ય હોય તો હવે મારી સામું જોઇને તો વાત કર.’ મીરાં બોલી.

‘જોઇશ.. મુલાકાતની અંતે. હવે સાંભળ...

૨ જુલાઈએ તેં ચંદ્રકાન્ત શેઠને ત્યાં જોબ જોઈન કરી. ત્યાં બે વર્ષના ટૂંકા ગાળામાં સફળતાના નવા કીર્તિમાન સ્થાપવા તારી જાતને એ હદે લેમિનેટેડ કરી લીધી કે, મિહિર નામનું કોઈ દુષણ કે વાઇરસ તારી પુરપાટ દોડતી પ્રગતિને સ્ટોપ કે કરપ્ટ ન કરી શકે. એ પછી.. ૧૮ ઓક્ટોબર. તે વિરાણી ઇન્ડસ્ટ્રીઝ જોઈન કરી. ત્યાં..તે તારી અસાધારણ યોગસિદ્ધિથી, તું તારી યોગ્યતા અને અજાણતામાં વિરાણીને વિશ્વામિત્ર સાબિત કરવામાં સાર્થક થયાં.. ૨૯ નવેમ્બર... તે મીરાં રાજપૂત વિરાણીના નવા નામ સાથે સપ્તપદીના વચનો લઈને રાતોરાત એક એવી સેલીબ્રીટી બની ગઈ કે જેને દૂરથી જોવી, એ પણ સામાન્ય માણસ માટે એક લાહવો હતો... એ પછી... વર્ડ ટૂર... ત્યાર બાદ ખુદને ખોઈને...એ ઐશ્વર્યમાં આળોટતાં આળોટતાં.... ફરી પાછી સ્વયંને શોધવાની મથામણ. કૈક આવું જ ને? હવે મને કહીશ કે છેલ્લાં સાત વર્ષમાં કોનું, ક્યાં, કેમ અને કેટલું વેડફાયું હશે?'

સાત મીનીટમાં સાત વર્ષના સમયનું સચોટ સ્નેહ સ્મરણનું સરવૈયું તારીખ સાથે જે રીતે મિહિરે તેની અસ્ખલિત વાણીમાં શબ્દશ: સ્પષ્ટ રીતે રજૂ કર્યું, તે સાંભળીને મીરાંને થયું કે, તેણે ખરેખર સાત વર્ષમાં ઉન્નતિ નહીં પણ ઉર્ધ્વગતિ જ કરી. શું પુછવું? અને શું જવાબ આપવો? કેટલો... કેટલો... નજદીક હતો મિહિર મારાથી? અને મેં પડછાયાની જેમ પીછો કરતાં પ્રેમ પર એક નજર સુદ્ધાં નાંખવાની દરકાર પણ ન લીધી! મનોમન હસતાં બોલી...આ તો મૃગજળની સામે આઈનો ધરીને મેં જાતને જ છેતરી.
સ્હેજ હિંમત એકઠી કરીને હજુ મીરાં તરફ પીઠ રાખીને ઉભાં રહેલા મિહિરને મીરાંએ કહ્યું..

‘પરંતુ.. મિહિર.. તમે ખરેખર....’ આગળ શું બોલવુંએ મીરાંની સમજણ બહાર હતું એટલે અસમંજસમાં અટવાઈને અટકી ગઈ.

‘મિહિર ઝવેરી છે કે અનવર સિદ્દકી એમ જ ને?'
મંદ હાસ્ય સાથે મિહિરે આગળ બોલતા પૂછ્યું .

‘હમણાં થોડીવાર પહેલાં મેં જે બે-પાંચ વાક્યોમાં મેં મારી વાહિયાત વાત કહી તે મિહિર ઝવેરીની હોય કે અનવર સિદ્દીકીની તેનાથી શું તે વાતનો ભાવાર્થ બદલાઈ જાશે?'

‘દિવ્યપ્રેમનો દીવડો જલાવવા કોઈ ધર્મની પરિભાષાના પ્રશસ્તિપત્રની જરૂર નથી. મિહિર ઝવેરી કે અનવર સિદ્દકીને કોઈ ધર્મના વાડામાં વહેંચાતા પહેલાં માણસાઈના ધર્મમાં વહેંચાવું મને વધુ ગમશે.’

‘હવે... મને સાંભળીને કહેજે હું કોણ છું?’ મિહિર વાતને આગળ લઇ જતાં બોલ્યો.

એ પછી મિહિર મીરાંને લઇ ગયો... તેના અસલી પરિચયથી અવગત કરાવવા અતીતકાળની સફરે...

આ ચૌદ વર્ષ પહેલાંના સમયગાળાની કથાનક છે..

‘મિહિર મનહરલાલ ઝવેરી.’

‘હૈદરાબાદ સ્થિત સાહિત્ય સ્નાતકનો વિદ્યાર્થી મિહિર મનહરલાલ ઝવેરી. કોલેજના સળંગ ત્રીજા વર્ષે પણ સાહિત્યની ઇન્ટર કોલેજ પ્રતિસ્પર્ધાના વિજેતા તરીકે એક નામ હંમેશા બિનહરીફ રહેતું મિહિર ઝવેરીનું. લાંબા સમયથી લીવરની બીમારીમાં પીડાતી મમ્મી બે વર્ષ પૂર્વે શ્વાસની સાથે સાથે અમને પણ છોડીને જતી રહી. એ પછી રહ્યા પિતાજી, હું મારો નાનો ભાઈ આયુષ અને નાની બહેન શિવાની. અમે જે કોલેજમાં અભ્યાસ કરતાં હતાં એ જ કોલેજમાં વર્ષોથી પિતાજી લાયબ્રેરીયન તરીકે સેવા આપતાં એટલે બચપણથી જ સાહિત્ય લોહીના ઘટકમાં રહ્યું છે. પિતાજી ખુજ સિદ્ધાંતવાદી અને આકરાં મિજાજના. તેની વિચારસરણી અને સિદ્ધાંતને લઈને કોઈની માટે સ્હેજ પણ બાંધછોડ ન કરે.’

મારા પિતાજી જે કોલેજમાં સેવા આપતાં અને અમારું નિવાસસ્થાન બન્ને વિસ્તારમાં મુસ્લિમ કોમ્યુનીટીની મેજોરીટી.
મારા પરિવારનો જીવનપ્રવાહ શાંત, શીતળ નિર્મળ સરિતાની માફક સહજ રીતે વહી રહ્યો હતો...ત્યાં એક દિવસ અચનાક..

હું મારા મિત્રો સાથે શહેરથી પચ્ચીસેક કિ.મી. દુર એક પિકનીક પોઈન્ટ પર ફરવાં આવ્યો હતો.. ત્યાં મને અચનાક ધબકારો ચૂકી જાય એવાં સમાચાર મળ્યા કે, મારા રહેણાંક વિસ્તારમાં બેફામ કોમી હુલ્લડ ફાટી નીકળ્યું છે અને..પરિસ્થિતિ બેકાબુ થવા જઈ રહી છે. બેબાકળો થઈને શક્ય એટલી ઝડપે શહેર સુધી પહોંચું ત્યાં સુધીમાં ત્યાં ઘડીકમાં ઘટેલી ઘાતકી ઘટનાથી, ચૌદ વર્ષ પહેલાં જ મારી જિંદગી છિન્ન ભિન્ન થઇ ગઈ હતી...

જે કોલેજમાં મારી બહેન શિવાની અભ્યાસ કરતી હતી, તે કોલેજના ટ્રસ્ટી અને મુસ્લિમ જ્ઞાતિના અગ્રણી નેતાનો પુત્ર અને શિવાની બન્ને એક જ ક્લાસમાં અભ્યાસ કરતાં. ઘટનાના દિવસે તે બિગડેલ બાપની ઔલાદે તેની મર્યાદા પાર કરીને શિવાનીની છેડતી કરી. અને શિવાનીએ મારા પપ્પાને ફરિયાદ કરી. અને તામસી તાસીરના પપ્પાએ તેના ક્રોધ પર કાબુ ગુમાવતાં સૌ વિદ્યાર્થીની વચ્ચે એ ટ્રસ્ટીના પુત્રને ફાડકાવાળી કરીને સણસણતા તમાચા ચોડતાં, પેલાના બે દાંત પડી ગયા અને મોઢાંમાંથી લોહી વહેવાં લાગ્યું. બસ.....આ વાતનું વતેસર કરી તેને કોમી સ્વરૂપ આપીને એટલું વિકરાળ બનાવી દીધું કે, દસથી પંદર મીનીટમાં તો જાણે આવારા તત્વોને આમંત્રણ મળ્યું હોય એમ, ટોળે ટોળાં રસ્તા પર ચારે બાજુ ફરી વળ્યા. પપ્પાને શિવાનીની સામે ઢસડીને લાયબ્રેરીમાંથી લઇ ગયા અને ઢોર મારા માર્યા પછી હિંસક બેકાબુ ટોળાએ પપ્પાને પૂરી દઈને લાયબ્રેરીને જ આગ ચાંપી દીધી. અને....વર્ષો સુધી, જે પુસ્તકોનું તેના બાળકની જેમ જતન કર્યું, એ પુસ્તકોની આગ જ તેને ભરખી ગઈ...

એક ટોળું.. શિવાનીને ઉઠાવી ગયું... અને મારા નાના ભાઈ આયુષની લાશ ત્રણ દિવસ પછી એટલી વિકૃત હાલતમાં મળી કે.. પોસ્ટમોર્ટમ કરવું પણ શક્ય નહતું.
તેના બે દિવસ પછી, એક અવાવરું ઝાડીમાંથી શિવાનીની લાશ મળી. તપાસ કરતાં માલુમ પડ્યું કે તેના પર પરાકાષ્ઠાની પરિસીમા પાર કરીને પાશવી રીતે સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો.

ત્રણેય પર વિકૃતિને પણ ચીતરી ચડે એ હદે કરાયેલા પાશવી રાક્ષસી અત્યાચાર પાછળ એક જ વ્યક્તિનો હાથ હતો. એ મુસ્લિમ અગ્રણી નેતાનો મોટો ભાઈ, જે તે શહેરનો એસ.પી. હતો. તેની જોહુકમીના છૂટ્ટા દોર નીચે આ કાંડનું કારસ્તાન રચાયું હતું. મારું મર્ડર કરવાં માટે પણ તે નેતાના પાલતું કૂતરા મારી પાછળ પડ્યા હતા... પણ.. મને એ દિવસો દરમિયાન કિલ્લેબંધી જેવી સુરક્ષા વચ્ચે સાચવ્યો હતો, એ જ મુસ્લિમ નેતાના કટ્ટર વિરોધી શત્રુ, જે ખુદ મુસ્લિમ હતો તે અસ્લ્લમ ખાને. એ દિવસોમાં મને માનસિક મરહમની જરૂર હતી. અને એ ભૂમિકા ખૂબ સારી રીતે ભજવી અસ્લ્લમ ખાને. લોહિયાળ ખુના મરકી, આગજની, ચિત્કાર, એ મોતનાં તાંડવ જેવા દ્રશ્યો યાદ કરતાં દિવસો સુધી હું, જમી કે સૂઈ નહતો શક્યો. ભોંયરા જેવી ભોંયતળીયાની એક અંધારી ઓરડીમાં હું કેદીની જેમ દિવસો પસાર કરતો રહ્યો. એક દિવસ અસ્લ્લમ ખાનને વિનંતી કરીને કહ્યું કે મહેરબાની કરીને મને અહીંથી બહાર કાઢ. નહીં તો મારો દમ ઘૂંટાઈ જશે. તેણે કહ્યું કે એક રસ્તો છે, તું મારા મામાને ત્યાં લખનૌ જતો રહે. પણ ત્યાં જતાં પહેલાં તારે મિહિર ઝવેરીને ખત્મ કરી નાખવો પડે. માત્ર હું અને મારા મામા બે જ વ્યક્તિ જાણ્યે કે તું મિહિર છે. નવું નામ, નવું શહેર, નવી પહેચાન બાકી તો આ એસ.પી. તને કોઈ કાળે નહીં જ જીવવા દે. પણ મેં કહ્યું, કે, અસ્લ્લમ મારા પર એક છેલ્લો ઉપકાર કરી દે, એ પછી તું જે કહીશ એમ કરવાં હું તૈયાર છું. મેં પ્રણ લીધું છે કે હંમેશ માટે મારી કર્મભૂમિ અને જન્મભૂમિને અલવિદા કહેતા પહેલાં મારે એ એસ.પી.નું મર્ડર કરવું છે, બસ. આ વાત પછી મારી અને અસ્લ્લમ વચ્ચે ખૂબ લમણાઝીંક થઇ. અંતે અસ્લ્લમ માની ગયો. જે દિવસે મારે શહેર છોડવાનું હતું, એ જ દિવસે અસ્લ્લમના ફૂલ પ્રૂફ પ્લાનિંગ મુજબ બધું જ ગોઠવાઈ જતાં, વ્હેલી સવારે વોકિંગ પર નીકળતાં એસ.પી. સાથેના, તેના સુરક્ષાકર્મીને ફોડી નાખતાં લાગ જોઇને એક સાથે ચાર રાઉન્ડ ફાયરિંગ કરીને એસ.પી. ને ત્યાં જ ઠાર કરી દીધો. શહેરની નાકાબંધી કરે એ પહેલાં એક અસ્લ્લમ મને ફરાર કરવામાં સફળ તો રહ્યો. પણ....ઉચ્ચ સ્તરીય ખાતાકીય તપાસના અંતે એસ.પી. ના ખૂની તરીકે ચોપડે નામ ચડી ગયું.... મિહિર ઝવેરીનું.’

સંતાતો, રખડતો અંતે આવ્યો લખનૌ, અસ્લ્લમના મામા કરીમ ખાનને ત્યાં. કરીમ ખાન લખનૌનો નામાંકિત અને અઠંગ ગુન્હેગાર. ત્યાં મને મુસ્લિમ વેશભૂષા સાથે નામ આપવામાં આવ્યું અનવર સિદ્દકી. હું કરીમ ખાન સાથે મારી મરજીથી તેની નાની મોટી ગુનાહિત પ્રવૃતિઓમાં જોડાઈ ગયો. કારણ કે, હવે જીવન જીવવાનું કોઈ મકસદ નહતું. હું એ પરિવારનો હિસ્સો હતો, જે પરિવારના સભ્યોને ગળથૂથીમાં જ સાહિત્ય સંસ્કાર પીવડાવવામાં આવ્યા હતાં. અને હવે આ અનવર સિદ્દીકીને સ્નેહ, લાગણી, પ્રેમ, ઊર્મિ, માયા, મમતા, સંવેદના જેવા શબ્દો સાંભળીને હસવું આવતું હતું.

સમય જતાં.. હું માનવમાંથી પાષાણ થવા જઈ રહ્યો હતો.અને અંતે એ ગુનાખોરીની દુનિયાના દલદલથી ઉબકી ગયો. પાંચ વર્ષ પછી એક દિવસ કરીમ ખાનને કહ્યું કે મને હવે આ પીંજરામાંથી આઝાદ કરો.. ક્યાંય પણ જઈને ખુલ્લી હવામાં જીવવું છે. જેટલી જિંદગી હશે એટલી. એ પછી પાંચ વર્ષ બાદ લખનૌ છોડી ને હું આ શહેરમાં આવ્યો ફરી મિહિર ઝવેરી બનીને. ખૂબ સંઘર્ષ કર્યો..

અને એક દિવસ એક છોકરીએ આવીને મને પૂછ્યું...

‘હેલ્લો, આ આપની ટેક્ષી છે?
પ્લીઝ, મને અહીં નજીકમાં સ્ટીફન કોલેજ ડ્રોપ કરશો. ??

સાત વર્ષ પહેલાની મીરાં અને મિહિરની પહેલી બે અજનબીની આકસ્મિક મુલાકાતના શબ્દશ: સંવાદની સાથે સાથે.... પાષાણને પણ પીગળાવી દે તેવી પારાવાર પીડાયુક્ત મિહિરની આપવીતી સાંભળીને મીરાં તેનું અસહ્ય રુદન ના રોકી શકી....

કલાક પછી...

એક એક ક્ષણ આમથી તેમ આંટા મારતાં કબીરને કીડીની માફક ચટકા ભરતી હતી.. કોને મળવા આવી હશે? આટલો સમય, અને એ પણ હોટેલમાં? કબીરને ખબર હતી કે, કોલ કરીશ એટલે એ ખોટું જ બોલશે. એટલે આજે મીરાંને અહીં હોટલમાં જ રંગે હાથ પકડીને પૂછતાછ કરવી છે. કબીર મનોમન હજ્જારો વિચારો સાથે અથડાઈને એટલો ધુઆંફૂંઆ થઈને ધગી ગયો હતો, જાણે કે તે મીરાંનો માલિક હોય!

પાણી પીધા પછી મીરાં શાંત થઇ... એટલે મિહિર બોલ્યો..

‘સાત વર્ષ પહેલાં... સાંજે ૭ વાગ્યે યુનિવર્સીટીની સામે રાધા-કૃષ્ણના વિશાળ મંદિરના પટાંગણમાં વ્હાઈટ પ્લાઝો પર લેટેસ્ટ ફેશનની ફૂલ લેન્થની લાઈટ મોરપિચ્છ કલરની કુર્તીમાં સજ્જ થઈને આવી તે દિવસે તે મને પૂછેલું..કે..

‘મિહિર એક વાત કહીશ, તું આટલો ભરાયેલો કેમ છે?'

‘હવે આજે એ સવાલનો જવાબ સમજાય છે? ’ મિહિરે પૂછ્યું.

મીરાં તેની બંને હાથળીને મોં પર રાખી અને સર.. સર.. સરતાં આંસું સાથે ત્રુટક ત્રુટક અવાજે પૂછ્યું..

‘મિ...મિહીર તને સમય, સ્થળ, શબ્દશ: સંવાદ અને મારાં વસ્ત્ર પરિધાન સાથેનું બધું જ તારી સ્મૃતિપટલમાં, આજે સાત વર્ષ પછી પણ હજુ લીલીછમ્મ તાજગી જેવું અકબંધ અંકિત છે... ઓહહ....માય ગોડ! મિહિર... આ મેં શું કર્યું?'

આટલું બોલીને તેની બંને હથેળીમાં તેનું મોં મૂકી દીધું...

‘બસ.. એ મુઢમારની માફક પડેલા લાગણીનાં લીલીછમ્મ સોળ, જેણે મને સાત વર્ષ જંપવા નથી દીધો. હવે સમજાય છે કે હું શા માટે તારાથી દુર ભાગતો હતો?
મને તારાથી નહીં, તારી મારી તરફ ઢળતી લાગણીનો ડર હતો. એ અંતિમ મુલાકાતની રાત્રીએ જેવો હું ઘરે જવા કારમાં બેઠો અને ત્યાંજ...
મને હૈદરાબાદથી અસ્લ્લમને મળેલી ખુફિયા જાણકારી બાદ કોલ આવ્યો કે..મૃતક એસ.પી.ના કોઈ સંબંધીને કયાંકથી તારી કાર નંબર સાથેનું પીક મળી આવ્યું છે. એ પછી ઇન્વેસ્ટીગેશન કરતાં બાતમી મળી છે કે તું ત્યાં છે. એટલે શક્ય એટલા ઓછા સમયમાં તારે ભાગી છુટવા સિવાય કોઈ રસ્તો નથી... અને બીજી જ સેકન્ડે મેં મોબાઈલ ઓફ કરી, જે મારા એક અંગત મિત્રની તને વાત કરી હતી, તેના ઘરે કાર અને તેં આપેલા દાગીના મૂકીને, જે વાહન મળ્યું, તેમાં બેસીને નેક્સ્ટ ડે આવ્યો દિલ્હી. અને ત્યાંથી બાય રોડ નેપાળ..... મારું અનવર સિદ્દકીનું નામ તો એ રીતે જાણવા મળ્યું કે..તે રાત્રે મારી શોધખોળમાં મારા ઘર સુધી આવેલી પોલીસને મારા રૂમમાંથી જે લેપટોપ મળ્યું, તે લેપટોપમાં સ્કેન કરીને રાખેલું અનવર સિદ્દકીના નામનું આધારકાર્ડ હું ડીલીટ કરતાં ભૂલી ગયેલો એટલે..’

‘અને એ પછી ફરી સંપર્ક કર્યો.. કરીમ ખાનનો. ચાર- છ મહિના નેપાળ રોકાઈને ત્યાંથી આવ્યો બાંગ્લાદેશ.. પછી પાકિસ્તાન...બસ.. કરીમ ખાનનું ઇન્ટરનેશનલ નેટવર્ક જોઈન કર્યું. હત્યા અને ડ્રગ્સ સિવાય બધાં જ ગુનાઓ કરી ચુક્યો.' પણ....આટલું બોલતાં મિહિરનું ગળું ભરાઈ આવ્યું અને મીરાંની આંખો.

‘એ અંતિમ મુલાકાતના ડીનર પછી તું મને જયારે વિશ્વાસની પરાકાષ્ઠા પાર કરીને, એક પરપુરુષને, એકલતાને નજરઅંદાજ કરીને તારા બેડરૂમમાં લઇ ગઈ ત્યારે મેં કહ્યું હતું કે..

‘મુસ્કુરાયે, તો મુસ્કુરાને કે કર્ઝ ઉતારને હોંગે.’

તે દિવસથી આજ સુધી એ હિમાલય જેવા તમારાં અંધવિશ્વાસને, આંટી મારી દે તેવા વિશ્વાસ અને ઉપકારનો ભાર ખેંચીને હવે હું થાકી ગયો છું. આજે હું એ સ્થાન પર છું કે મારા માટે દુનિયાના કોઈપણ ખૂણે કોઈપણ કામ અશક્ય નથી. પણ.. પણ તે દિવસે પ્રેમની પરમ પરાકાષ્ઠાની પળને, ઘડીકમાં તારી ગંગાજળ જેવી પવિત્ર પ્રિતીને દુનિયાની નજરમાં પાપવૃતિમાં વહેતી કરીને, જે રીતે મારે ભાગવું પડ્યું, એ કસકની ફાંસ સતત દિવસ રાત મારી રગે રગમાં હજુ યે ખટકીને ખૂંચ્યા કરે છે. હર પળ મારી આંખમાં ખૂંચતાં એ કસૂર કણના શૂળથી, હું આત્મગ્લાનિના દલદલમાં ધસતો જાઉં છું..’
સાત વર્ષ ભીતરમાં ધરબી રાખેલાં ભારેલાઅગ્નિના ધૂંધવાટ સાથેની રઝળપાટથી મિહિર હવે તેની નબળી પડી ગયેલી માનસિકતા સામે પરાજિત થઇ ગયો હતો.


આ તરફ... કોપાયમાન કબીર તેની અવાસ્તવિક અકળામણથી વધતાં ગુસ્સાના ગાળીયામાં વધુને વધુ ફસાઈને, તેની મનોદશા પર અંકુશ ગુમાવતો રહ્યો. ગુસ્સાની ગરમી શાંત કરવા એક કલાકમાં તેની મર્યાદા બહારનો શરાબનો નશો કરી ચુક્યો હતો. કબીરની અવસ્થા જોઇને અંશુમનને થયું કે કબીર તેની મતિની ગતિ પરનો કાબુ ગુમાવીને, કોઈ અસંભવિત ઇસ્યુનો સીન ક્રિએટ ન કરે, એટલે અંશુમન કબીરને તેની કારમાં તેના ઘરે ડ્રોપ કરી ગયો.


હજુ પણ મીરાં અને મિહિરની નજરો નહતી મળી.
સ્હેજ સ્વસ્થ થઈને મીરાંએ પૂછ્યું..

‘મિહિર, મતલબ..કે તેં જે નાટક લખીને આપ્યું હતું, એ નાટક નહતું. તારા આત્મદાહની કથા હતી એમ જ ને?'

‘મેં કોઈપણ સમય, સંજોગને માત આપી છે. પણ.. મારા જેવા એક અપરિચિત પર, તેં અસીમિત શ્રધ્ધા સાથે મને મનોમન અપ્રતિમ આત્મપ્રિયતાને કાબિલ સમજ્યા પછી, મારા કલંકિત ભૂતકાળની સ્યાહીના છાંટા ઉડવાથી તારાં દિવ્યાઆત્માને દુભાવવા હું નિમિત્ત બન્યો છું. તો હવે જ્યાં સુધી તારી નજર સમક્ષ તેનું પ્રાયશ્ચિત નહીં કરું, ત્યાં સુધી ઘવાયેલા મારા સ્વાભિમાનને મોક્ષ નહીં મળે.’


‘પણ... મિહિર મારા વિશે તારીખ સાથેની રજે રજની માહિતી ક્યાંથી...?’ મીરાંએ પૂછ્યું.

મિહિર મનોમન બોલ્યો..
‘મારું નામ પણ તમારાં નામની જેમ જ હંમેશ માટે એક રહસ્ય જ રહેવું જોઈએ એ વાત મરતાં સુધી યાદ રાખજો.’ અવનીના આ શબ્દો મિહિરને યાદ આવી ગયા.

ભડકે બળતી પ્રતિશોધની આગમાં કબીર એક, બે નહીં પણ ત્રણ બોટલ શરાબની ગટગટાવી ગયા બાદ તેના દિમાગ પરનો સંપૂર્ણ કાબુ નિરંકુશ થઇ જતાં...
આશરે સાડા ત્રણ કલાક પછી.. મીરાં પર કબીરનો કોલ આવ્યો.

હોટલમાં મીરાંએ કોલ ઉઠાવ્યો... કબીર મીરાંને અડધો શબ્દ બોલવાની તક ન આપતાં ચિક્કાર નશાની હાલતમાં હસતાં હસતાં બોલ્યો...

‘તું.. તું..તો રાંડ છે.... તું,.. તું .. વેશ્યા છે...અઅ...અરે તારા કરતાં તો પેલી બાબા...બાજારૂ ઔરત સારી... તત...તને ફક્ત શરીરની ભૂખ છે. ...કેકે...કેટલાં યયા..યાર રાખ્યા છે હેં..? અરે. મમ..મને કીકી..કીધુ હોત તો હું..હું તા..તારા દિવસ અને રા..રાત બંને રંગીન કરી દેત... તું તો ...’
આટલું બોલીને કબીર તેના બેડરૂમની દીવાલ પર મોબાઈલનો ઘા કરી ને બેડ પરથી ઢળીને પડી ગયો...

અને કોલ કટ થઇ ગયો.....

બીજા દિવસની સવારે જયારે નવ વાગ્યાની આસપાસ નશો ઉતરતાં માંડ માંડ કબીરની આંખ ઉઘડી ત્યારે તેની દશા જોઇને ખુદ ગભરાઈ ગયો. આ શું થઇ ગયું? દિમાગ ઢંઢોળતા યાદ આવ્યું કે... હોટલ સ્કાયલાઈન.. મીરાં.. અંશુમન... પછી? ધ્યાન પડ્યું તો.. મોબાઈલ પણ ચુર ચુર થઇ ગયેલો. માથું ખંજવાળતા મેઈન ડોર ઓપન કરીને ન્યુઝ પેપર હાથમાં લઈને બેઠો સોફા પર... ન્યુઝ પેપરની હેડલાઈન વાંચતા તો.....કબીરને લાગ્યું કે તેના માથા પર કોઈએ પ્રચંડ પ્રહારથી હથોડાનો ઘા કરીને દિમાગના ફુરચે ફુરચા ઉડાડી દીધા હોય...

‘શહેરના નામી ઉદ્યોગપતિ મધુકર વિરાણીની પત્ની મીરાં રાજપૂત, હત્યાના ગુન્હા સબબ જેલના સળિયા પાછળ ધકેલાઈ.’

-વધુ આવતાં અંકે...

© વિજય રાવલ

'કહીં આગ ન લગ જાએ ' શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.
[email protected]
9825364484

Bookstore

Address

Ahmedabad
380002

Telephone

+919825364484

Website

Alerts

Be the first to know and let us send you an email when Kahin aag n lag jaye posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kahin aag n lag jaye:

Shortcuts

Share

Category