27/08/2019
વિશ્વ સાહિત્યની સૌથી જૂની નવલકથાઓ પૈકીની એક રોબિન્સન ક્રુઝો, જેના પ્રકાશનને આ વર્ષે 300 વર્ષ પૂર્ણ થયા ત્યારે તેનો ગુજરાતીમાં સંપૂર્ણ અનુવાદ પ્રથમ વખત પ્રકાશિત થઈ રહ્યો છે.તેનો ટૂંક પરિચય.
ડેનિયલ ડેફોની નવલકથા ' રોબિન્સન ક્રુઝો' તેના મુખ્ય પાત્રની આધ્યાત્મિક યાત્રાની કથા છે. માતા-પિતાની સલાહને અવગણીને પોતાને રસ્તે આગળ વધતો યુવાન રોબિન્સન પરમાત્માની ઇચ્છા સામે સતત સંઘર્ષ કરે છે. તેની એકલવાઇ જિંદગીની રોજનીશી, પોતાના જીવન પ્રત્યેની સભાનતા, ઇશ્વર પ્રત્યેની આસ્થા, આધ્યાત્મિક જાગૃતિ તેમજ છેવટે ધર્મને શરણે જઈ આશાનો દિપક શ્રદ્ધાપૂર્વક સળગતો રાખી અન્યને મદદ કરવાની, માણસાઈ નહીં છોડવાની કથા છે.
18મી સદીના પૂર્વાર્ધમાં લખાયેલી આ નવલકથા 21મી સદીમાં પણ પ્રસ્તુત છે, એમ કહી શકાય. આજના યુવાનોને આકર્ષી શકે તે બધું જ લેખકે આમાં સમાવ્યું છે. માનવીની પોતાના સપનાં પાછળની આંધળી તેમજ અણવિચારેલી દોટ, તેના ભયાનક પરિણામો, વિકટ સમુદ્રી યાત્રાઓ, વૃક્ષો તેમજ પશુ-પક્ષીઓ સાથે મનુષ્યનું સહજીવન, વિવિધ પ્રકારના સમાજ, માણસખાઉ જંગલી જાતિઓ, તેમના ઘાતકી રીતરિવાજો , કથાનાયકની બહાદુરી, વિપરીત પરિસ્થિતિમાં પણ ડર્યા વગર નવો ચીલો ચાતરવાની વીરતા, પરમાત્મા પરની આસ્થા, ઈશ્વર જે કરે તે સારા માટે જ કરે છે - એવી અડગ શ્રદ્ધા, બીજાને મદદરૂપ થવાની માનવતા, ધર્મની સાચી સમજ, તકલીફોમાંથી બહાર આવ્યા બાદ ફરીથી સાહસ પર જવાની હિંમત, એક સાથીદારની ઇચ્છા, પોતાના આગવા સમાજનું નિર્માણ, ઉપરાંત બીજું ઘણું બધું લેખકે સાહજીકતાથી વાચકને રસ પડે તે રીતે કથામાં વણી લીધું છે.
પુસ્તક : રોબિન્સન ક્રુઝો
લેખક : ડેનિયલ ડેફો
અનુવાદક : સાધના નાયક દેસાઈ
પ્રકાશક : ફૅલિક્સ પબ્લિકેશન. ફોન : 9426777001
ISBN : 9788193031087
કિંમત : 299
કવર ડિઝાઇન : Farid F Shaikh