Ekatra Foundation

Ekatra Foundation Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ekatra Foundation, Book shop, Durham, NC.

'એકત્ર' ગ્રંથગુલાલ 'આગગાડી' – ચંદ્રવદન મહેતા https://ekatra.org/ebooks/aaggadi           ચંદ્રવદન મહેતાનું નાટક ‘આગગાડી’...
08/21/2026

'એકત્ર' ગ્રંથગુલાલ

'આગગાડી' – ચંદ્રવદન મહેતા
https://ekatra.org/ebooks/aaggadi

ચંદ્રવદન મહેતાનું નાટક ‘આગગાડી’ (1934) ગુજરાતી રંગભૂમિના વિકાસમાં સીમાચિહ્નરૂપ કૃતિ છે. બ્રિટિશ અમલ દરમિયાનની રેલવે-વ્યવસ્થા, રેલકામદારોની લાચારી, ગોરા અમલદારોનો જુલમ અને એ સમયની સામાજિક વાસ્તવિકતાનું અસરકારક આલેખન આ નાટકમાં જોવા મળે છે. પાત્રવૈવિધ્ય અને દૃશ્યવૈવિધ્યથી સમૃદ્ધ આ કૃતિને ગાંધીયુગની વાસ્તવલક્ષિતાનું નોંધપાત્ર સાહિત્યિક ઉદાહરણ પણ માનવામાં આવે છે.

નાટ્યરસિકો, સંશોધનાર્થીઓ અને વિદ્યાર્થીઓ માટે ઉપયોગી એવી આ મહત્ત્વની કૃતિ હવે ‘એકત્ર’ પર વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

https://ekatra.org/

'એકત્ર' ગ્રંથગુલાલ'સમગ્રમાંથી સઘન – વિવેચનશ્રેણી'નરોત્તમ પલાણસંપાદક : રમણ સોનીhttps://wiki.ekatrafoundation.org/index.ph...
08/20/2026

'એકત્ર' ગ્રંથગુલાલ

'સમગ્રમાંથી સઘન – વિવેચનશ્રેણી'
નરોત્તમ પલાણ

સંપાદક : રમણ સોની

https://wiki.ekatrafoundation.org/index.php/સમગ્રમાંથી_સઘન-વિવેચનશ્રેણી_–_નરોત્તમ_પલાણ

'એકત્ર' સંકલિત 'સમગ્રમાંથી સઘન–વિવેચનશ્રેણી'નો ૧૯મો મણકો આપ સૌ માટે.

રખડપટ્ટીથી ઇતિહાસવિમર્શ સુધી અને ત્યાંથી વિવેચનના ક્ષેત્રમાં પ્રવેશેલા નરોત્તમ પલાણની લાંબી અભ્યાસયાત્રા આ સંગ્રહમાં વિવિધ સ્વરૂપે પ્રગટે છે. લોકસાહિત્ય, મધ્યકાલીન સાહિત્ય, ભક્તિસાહિત્ય, સંતસાહિત્ય, ગ્રંથસમીક્ષા અને કાવ્યાસ્વાદ જેવા અનેક ક્ષેત્રોમાં એમની સ્વાધ્યાયપૂર્ણ અને નિખાલસ વિવેચનદૃષ્ટિનો પરિચય કરાવતું આ સંપાદન હવે 'એકત્ર' પર ઉપલબ્ધ છે.

✨ ૨૮ પ્રતિનિધિ લેખો
✨ સાહિત્યવિચાર, સ્વરૂપચર્ચા, ગ્રંથકાર-અભ્યાસ અને ગ્રંથસમીક્ષા
✨ નરોત્તમ પલાણની તીક્ષ્ણ અને નિખાલસ વિવેચનદૃષ્ટિનો પરિચય
✨ મધ્યકાલીન સાહિત્ય, સંતસાહિત્ય, ભક્તિસાહિત્ય ઉપરાંત લોકસાહિત્યના વિષયમાં તેમની ગતિ દર્શાવતી વિપુલ સામગ્રી

વિવેચક કેવો સાહિત્યાનુરાગી અને કેવો અભ્યાસશીલ હોય એની દ્યોતક વાત પલાણ સાહેબ પોતે જ કહે છે :

'વિવેચન શા માટે? એમ લાગે છે કે આનો એક જ ઉત્તર હોઈ શકે – સમજવા માટે! કોઈ કર્તા, કૃતિ કે વિષય લઈને મથવું, એની સામે જાતને ખુલ્લી કરવી અને એમ વધુ ને વધુ પામવું, ઓળખવું....'

‘સમગ્રમાંથી સઘન–વિવેચનશ્રેણી’નો ૧૯મો મણકો ‘એકત્ર’ પર વિનામૂલ્યે ઉપલબ્ધ છે .

'સમગ્રમાંથી સઘન - વિવેચનશ્રેણી' ૧ થી ૧૮ 🔽
https://wiki.ekatrafoundation.org/wiki/સમગ્રમાંથી_સઘન-વિવેચનશ્રેણી

https://ekatra.org/

'વાચનમિલાપ' : વાચકો સમક્ષ ફરીથી પ્રસ્તુત થતી એક નાની શી 'મિલન-બારી'https://vachanmilap.ekatra.org/ ‘વાચનમિલાપ’ નામે આ નવ...
08/17/2026

'વાચનમિલાપ' : વાચકો સમક્ષ ફરીથી પ્રસ્તુત થતી એક નાની શી 'મિલન-બારી'
https://vachanmilap.ekatra.org/

‘વાચનમિલાપ’ નામે આ નવું સામયિક શરૂ થાય છે. શા માટે?

આજના આધુનિક યુગમાં, જ્યાં નજર કરીએ ત્યાં સ્ક્રીન અને સોશિયલ મીડિયાની અનંત દુનિયા આપણો મોટાભાગનો સમય અને માનસિક શ્રમ છીનવી રહી છે. બીજી બાજુ, ગુજરાતી ભાષામાં અસંખ્ય દૈનિકો, સાપ્તાહિકો અને સામયિકો અવિરત પ્રગટ થઈ રહ્યાં છે. પરંતુ, ભાગદોડભર્યા જીવનમાં એક સામાન્ય વાચક માટે આ બધા જ સ્રોત સુધી પહોંચવું અશક્ય બની ગયું છે. ખાસ કરીને ગુજરાતથી સાત સમંદર પાર કે અન્ય પ્રાંતોમાં વસતા આપણા ગુજરાતી ભાઈ-બહેનો માટે તો માતૃભાષાના આ વિશાળ વાચન ભંડાર સુધી પહોંચવું એક મોટો પડકાર છે.

સાંપ્રત સમયની એક ચોક્કસ અને અનિવાર્ય જરૂરિયાત પૂરી કરવાનો આ એક પ્રયાસ છે. એ જરૂરિયાત છે – આજના આ કોલાહલ વચ્ચે અઢળક વાચનસામગ્રીમાંથી વીણી વીણીને લાવેલા સાચા, સમૃદ્ધ અને વિચારશીલ વાચનની. ગુજરાતી ભાષાના અત્યારના પ્રગટ થતાં લખાણોને જન-જન સુધી પહોંચાડવાનો ‘એકત્ર ફાઉન્ડેશન’નો આ એક નમ્ર અને સમર્પિત પ્રયાસ છે.

દાયકાઓ પહેલાં જ્યારે મહેન્દ્ર મેઘાણીએ ‘મિલાપ’ દ્વારા આવો જ એક દીવાદાંડી સમાન સેતુ રચ્યો હતો, ત્યારે સમય જુદો હતો પણ ધ્યેય સમાન હતું. આજે એ જ ભાવનાને પુનર્જીવિત કરતાં, ‘એકત્ર ફાઉન્ડેશન’ના માધ્યમથી અમે ‘વાચનમિલાપ’ લઈને આવ્યા છીએ. અમારો હેતુ કોઈ એક પક્ષ, વાદ કે સંપ્રદાયની વફાદારીનો નથી, પરંતુ વિશ્વના સમસ્ત ગુજરાતી વાચકો માટે વિવિધ મુદ્રિત સામાજિક-સાહિત્યિક સ્રોતમાંથી શ્રેષ્ઠ લેખોને તારવીને એક પ્લેટફોર્મ પર લાવવાનો છે.

આ પ્રકલ્પના સંપાદકની જવાબદારી આપણા સૌના પરિચિત એવા ડંકેશ ઓઝા સંભાળી રહ્યા છે. તેઓ માત્ર એક અનન્ય અને શોખીન વાચક જ નથી, પરંતુ વર્તમાન સામાજિક-રાજકીય પ્રવાહો અને સતત વાંચન સાથે અત્યંત સક્રિયપણે જોડાયેલા એક નિષ્ઠાવાન ચિંતક છે. તેમનું સંપાદન આ સામયિકને ચોક્કસપણે એક નવી ઊંચાઈ બક્ષશે.

આજના અતિવ્યસ્ત સમયમાં લોકો પાસે વાંચવા માટે પૂરતો સમય નથી હોતો અને આજના નવા યુગમાં લોકોને વાંચવા કરતાં સાંભળવાનું વધુ પસંદ આવે છે, તેથી અમે આ ઉત્તમ લેખોને શ્રાવ્ય (Audio) માધ્યમમાં પણ ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, જેથી વાચકો તેને સાંભળી પણ શકે.

આજના ધમાલિયા વાતાવરણ અને વ્યસ્ત જીવનની ભાગદોડ વચ્ચે અલગ-અલગ જગ્યાએ છપાયેલા ઉત્તમ લેખોનું આ સામયિક જાણે ગુજરાતી વાચકો માટે એક નાની શી ‘મિલન-બારી’ બની રહેશે.

સમૃદ્ધ વાચન થકી વિચારશીલ જીવન તરફની આ સફરમાં, આપ સૌ સાહિત્યપ્રેમીઓનો સ્નેહ અને સાથ જ અમારી મૂડી છે. આવો, શબ્દોના આ મિલનમાં સહયાત્રી બનીએ!

— અતુલ રાવલ, રાજેશ મશરૂવાળા

પ્રિય વાચકમિત્રો,આનંદ સાથે જણાવવાનું કે એકત્ર ફાઉન્ડેશનની નવી વેબસાઇટ હવે શરૂ થઈ રહી છે : www.ekatra.org. જૂની લિંક હજી ...
08/14/2026

પ્રિય વાચકમિત્રો,

આનંદ સાથે જણાવવાનું કે એકત્ર ફાઉન્ડેશનની નવી વેબસાઇટ હવે શરૂ થઈ રહી છે : www.ekatra.org. જૂની લિંક હજી ચાલશે, પણ બુકમાર્કમાં ekatra.org ઉમેરી લેશો હવે પછીનું બધું ઉમેરણ ત્યાં જ મળશે. ગુજરાતી ભાષા-સાહિત્યના પુસ્તકોને વધુ સરળ અને સુવ્યવસ્થિત રીતે આપ સૌ સુધી પહોંચાડવાના અમારા પ્રયત્નમાં આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે.

આ નવી વેબસાઇટને અમે વધુ સરળ, આધુનિક અને યુઝરફ્રેન્ડલી બનાવી છે, જેથી તમે તમારી પસંદગીનું સાહિત્ય, લેખકો, પુસ્તકો, સામયિકો, ઑડિયો વગેરે સહેલાઈથી શોધી શકો, વાંચી શકો અને વિવિધ વિભાગોની મુલાકાત લઈ શકો.

એકત્રનો મુખ્ય ઉદ્દેશ હંમેશાં એક જ રહ્યો છે. ગુજરાતી ભાષા અને સાહિત્યના મૂલ્યવાન સર્જનનું જતન કરવું, એને ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ કરાવવું અને નવી પેઢી સુધી પહોંચાડવું. નવી વેબસાઇટ ekatra.org એ જ કાર્યને વધુ વિસ્તૃત અને સુગમ બનાવવાનો પ્રયત્ન છે.

એક વિનંતી : આપ નવી વેબસાઇટની મુલાકાત લો, અહીં થોડો સમય ગાળો અને અમને આપનો પ્રતિભાવ જરૂર મોકલશો. આ સંદેશો આપના સાહિત્યરસિક મિત્રો સુધી પણ જરૂર પહોંચાડશો.

આ નવી શરૂઆતમાં આપ સૌને સાથે રાખવાનો અમને વિશેષ આનંદ છે.

સ્નેહપૂર્વક,

ટીમ એકત્ર

https://ekatra.org

ગુજરાતી પુસ્તકો, સામયિકો, ઓડિયોબુક્સ, લેખકો અને દુર્લભ સાહિત્યનો વિશાળ ડિજિટલ સંગ્રહ. એકત્ર ફાઉન્ડેશન સાથે ગુજરા...

‘એકત્ર’ ગ્રંથગુલાલ‘બરફનાં પંખી’ - અનિલ જોશીhttps://wiki.ekatrafoundation.org/index.php/બરફનાં_પંખી“અમે બરફના પંખી રે ભાઈ...
08/13/2026

‘એકત્ર’ ગ્રંથગુલાલ

‘બરફનાં પંખી’ - અનિલ જોશી
https://wiki.ekatrafoundation.org/index.php/બરફનાં_પંખી

“અમે બરફના પંખી રે ભાઈ,
ટહુકે ટહુકે પીગળ્યા.
લૂમાં તરતો ઘોર ઉનાળો
અમે ઉઘાડે ડિલે
ઓગળતી કાયાનાં ટીપાં
કમળપાંદડી ઝીલે
ખરતા પીંછે પડછાતી બપ્પોર મૂકીને નીકળ્યા!”

આધુનિક સંવેદના, અદભુત કલ્પનાશક્તિ અને વિશિષ્ટ ભાષાકર્મનો સુંદર પરિચય કરાવતો કાવ્યસંગ્રહ એટલે ‘બરફનાં પંખી’. અનિલ જોશી આ સંગ્રહના ગીતોમાં શબ્દ અને લયનો એવો જાદુ જગાવે છે જે ગુજરાતી કવિતાને પરંપરાગત ઢાંચાથી અલગ પાડી એક નોખી જ આધુનિકતા બક્ષે છે. સંગ્રહમાં 'કન્યાવિદાય', 'બીક ના બતાવો', ‘કીડીએ ખોંખારો ખાધો’ જેવી અત્યંત યાદગાર રચનાઓનો સમાવેશ થાય છે.

આધુનિક ગીતકવિતાના આ અવિસ્મરણીય સંગ્રહને હવે 'એકત્ર' પર ડિજિટલ સ્વરૂપે વિનામૂલ્યે વાંચી શકો છો.

‘એકત્ર’ ગ્રંથગુલાલગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ (ખંડ :૧-૨)https://wiki.ekatrafoundation.org/index.php/ગુજરાતી_સાહ...
08/07/2026

‘એકત્ર’ ગ્રંથગુલાલ

ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ (ખંડ :
૧-૨)

https://wiki.ekatrafoundation.org/index.php/ગુજરાતી_સાહિત્યનો_ઇતિહાસ_–_ગ્રંથ_:_૨_ખંડ_:_૧

https://wiki.ekatrafoundation.org/index.php/ગુજરાતી_સાહિત્યનો_ઇતિહાસ_–_ગ્રંથ_:_૨_ખંડ_:_૨

ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત 'ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ' – ગ્રંથ : ૨ના બંને ખંડો મળીને ઈ.સ. ૧૪૫૦થી ૧૮૫૦ સુધીના મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની ચારસો વર્ષ લાંબી સાહિત્યયાત્રાનું અધિકૃત અને સંશોધનાધારિત ચિત્રણ રજૂ કરે છે.

ખંડ : ૧ (ઈ.સ. ૧૪૫૦–૧૬૫૦)માં મધ્યકાલીન સાહિત્યસ્વરૂપો, જૈન સાહિત્ય, નરસિંહ મહેતા, ભાલણ, પદ્મનાભ, મીરાં, અખો અને જ્ઞાનમાર્ગી કવિતાની પરંપરાનું વિદ્વત્તાપૂર્વક નિરૂપણ કરવામાં આવ્યું છે.

ખંડ : ૨ (ઈ.સ. ૧૬૫૦–૧૮૫૦)માં પ્રેમાનંદ, શામળ અને દયારામ જેવા અગ્રણી સર્જકોનું સાહિત્ય, જૈનસાહિત્ય, આખ્યાનકવિતા, ભક્તિપદો, સંતકવિતાધારા, ગદ્યસાહિત્ય, લોકસાહિત્ય, પારસી કવિઓ, લોકનાટ્ય ભવાઈ તેમજ મધ્યકાલીન કથાપ્રવાહ જેવા મહત્વપૂર્ણ વિષયોનું વિસ્તૃત નિરૂપણ કરવામાં આવ્યું છે.
ભોગીલાલ સાંડેસરા, ઉમાશંકર જોશી, હરિવલ્લભ ભાયાણી, કે. કા. શાસ્ત્રી, કાન્તિલાલ વ્યાસ, નિરંજન ભગત, જયંત કોઠારી, ઉશનસ્, ચિમનલાલ ત્રિવેદી, રમેશ જાની સહિતના અગ્રણી વિદ્વાનોના લેખોને કારણે આ બંને ખંડો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અભ્યાસ માટે અનિવાર્ય અને પ્રમાણભૂત સંદર્ભગ્રંથ તરીકે સ્થાન પામ્યા છે.
હવે આ બંને મહત્ત્વપૂર્ણ ગ્રંથો ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ છે.
વિશ્વના કોઈપણ ખૂણેથી, ગમે ત્યારે અને ગમે તે ઉપકરણ પર સરળતાથી વાંચી શકાય છે.

‘એકત્ર’ ગ્રંથગુલાલગુજરાતી સાહિત્યનો ઇતિહાસ (ભાગ – ૧)wiki.ekatrafoundation.org/wiki/ગુજરાતી_સાહિત્યનો_ઇતિહાસ_–_ગ્રંથ_:_૧ ...
08/06/2026

‘એકત્ર’ ગ્રંથગુલાલ

ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ (ભાગ – ૧)

wiki.ekatrafoundation.org/wiki/ગુજરાતી_સાહિત્યનો_ઇતિહાસ_–_ગ્રંથ_:_૧

ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત આ મહત્ત્વપૂર્ણ ગ્રંથમાં ઈ.સ. ૧૧૫૦થી ૧૪૫૦ સુધીના ગુજરાતી સાહિત્યના ઉદ્ભવ અને વિકાસનો અધિકૃત ઇતિહાસ રજૂ થયો છે. આ ગ્રંથમાં ગુજરાતના રાજકીય-સાંસ્કૃતિક ઇતિહાસ, ગુજરાતી ભાષાના કુળક્રમ, ભાષાના વિકાસ, સાહિત્યિક પૂર્વપરંપરા તેમજ રાસ, ફાગુ, લૌકિક કથા અને પ્રાચીન ગદ્યસાહિત્ય જેવા વિષયોનું વિદ્વત્તાપૂર્વક નિરૂપણ કરવામાં આવ્યું છે. હરિપ્રસાદ શાસ્ત્રી, હરિવલ્લભ ભાયાણી, પ્રબોધ પંડિત, કેશવરામ કા. શાસ્ત્રી અને ભોગીલાલ સાંડેસરા જેવા અગ્રણી વિદ્વાનોના લેખોને કારણે આ ગ્રંથ ગુજરાતી સાહિત્યના અભ્યાસ માટે અનિવાર્ય સંદર્ભગ્રંથ છે.
હવે આ મહત્ત્વપૂર્ણ ગ્રંથ ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ છે. વિશ્વના કોઈપણ ખૂણેથી, ગમે ત્યારે અને ગમે તે ઉપકરણ પર તેને સરળતાથી વાંચી શકાય છે. ગુજરાતી સાહિત્યના વિદ્યાર્થીઓ, સંશોધકો, અધ્યાપકો અને રસિક વાચકો માટે આ ગ્રંથ એક વિશ્વસનીય સંદર્ભસ્રોત રહ્યો છે.

‘એકત્ર’ ગ્રંથગુલાલભાષાવિજ્ઞાન : ખંડ – ૧લોલેખક : કાન્તિલાલ બળદેવરામ વ્યાસhttps://wiki.ekatrafoundation.org/index.php/ભાષા...
08/01/2026

‘એકત્ર’ ગ્રંથગુલાલ

ભાષાવિજ્ઞાન : ખંડ – ૧લો
લેખક : કાન્તિલાલ બળદેવરામ વ્યાસ

https://wiki.ekatrafoundation.org/index.php/ભાષાવિજ્ઞાન

કાન્તિલાલ વ્યાસે ૧૯૬૫માં પ્રકાશિત કરેલ આ ગ્રંથ ગુજરાતી ભાષામાં આધુનિક ભાષાવિજ્ઞાનનો સુવ્યવસ્થિત પરિચય કરાવવાનો પ્રથમ મહત્વપૂર્ણ પ્રયાસ હતો. તે સમયે ઉપલબ્ધ વ્યાકરણ અને ભાષાના ઇતિહાસ સંબંધિત ગ્રંથોથી અલગ, આ પુસ્તકમાં ભાષાના ધ્વનિ, રૂપ, વાક્ય અને અર્થ જેવા વિવિધ પાસાઓનું વૈજ્ઞાનિક દૃષ્ટિએ નિરૂપણ કરવામાં આવ્યું છે.

આ ગ્રંથનું મહત્વ માત્ર ભાષાવિજ્ઞાનના અભ્યાસ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે ગુજરાતી ભાષાવિજ્ઞાનની પરિભાષાના વિકાસ, ભાષા-અભ્યાસની પદ્ધતિઓ અને તત્કાલીન ભાષાવિજ્ઞાનના પ્રવાહોને સમજવા માટે પણ એક અગત્યનો ઐતિહાસિક દસ્તાવેજ છે. ભારતીય અને પશ્ચિમી ભાષાવિજ્ઞાનની પરંપરાઓ વચ્ચે સંવાદ સ્થાપવાનો લેખકનો પ્રયાસ પણ આ ગ્રંથને વિશિષ્ટ બનાવે છે.

એકત્ર ફાઉન્ડેશન દ્વારા આ ગ્રંથનું ડિજિટલ પ્રકાશન વિદ્યાર્થીઓ, અધ્યાપકો, સંશોધકો તેમજ ગુજરાતી ભાષાવિજ્ઞાનના ઇતિહાસમાં રસ ધરાવતા વાચકો માટે ઉપયોગી સાબિત થશે.

કંકાવટી : ગુજરાતી સાહિત્યનું ગૌરવશાળી સામયિકhttps://wiki.ekatrafoundation.org/wiki/કંકાવટી_(સામયિક)ગુજરાતી સાહિત્યના ઇતિ...
07/25/2026

કંકાવટી : ગુજરાતી સાહિત્યનું ગૌરવશાળી સામયિક

https://wiki.ekatrafoundation.org/wiki/કંકાવટી_(સામયિક)

ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં 'કંકાવટી' માત્ર એક સામયિક નહોતું, પરંતુ અનેક પેઢીના સર્જકો, વિવેચકો અને વાચકોને જોડતું જીવંત સાહિત્યમંચ હતું. ૧૯૫૦માં શરૂ થયેલા આ સામયિકને રતિલાલ અનિલના સંપાદન હેઠળ નવી ઊંચાઈ મળી અને તેણે ગુજરાતી સાહિત્યમાં એક વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું.

૧૯૭૨થી ૨૦૦૮ દરમિયાન પ્રકાશિત થયેલા અંકોમાં કવિતા, વાર્તા, વિવેચન, અનુવાદ, નિબંધ, પત્રચર્ચા અને વિશ્વસાહિત્યનો સમૃદ્ધ પરિચય વાચકોને મળ્યો. જયન્ત પાઠક, સુરેશ જોષી, પ્રમોદકુમાર પટેલ, શરીફા વીજળીવાળા, શિરીષ પંચાલ, સુમન શાહ, ચન્દ્રકાન્ત ટોપીવાળા, હિમાંશી શેલત સહિત અનેક પ્રતિષ્ઠિત સર્જકોના લેખનથી કંકાવટી ગુજરાતી સાહિત્યની એક અમૂલ્ય ધરોહર બની.

૧૯૭૨થી ૨૦૦૮ દરમિયાન પ્રકાશિત થયેલા કંકાવટીના ઉપલબ્ધ તમામ અંકો એકત્ર ફાઉન્ડેશન દ્વારા ડિજિટલ સ્વરૂપે સંરક્ષિત કરીને 'એકત્ર' પર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.
https://ekatrafoundation.org/

એકત્ર ગ્રંથગુલાલ'ગુજરાતી બાળવાર્તા સંપદા'સંપાદન : શ્રદ્ધા ત્રિવેદીwiki.ekatrafoundation.org/index.php/ગુજરાતી_બાળવાર્તા_...
07/21/2026

એકત્ર ગ્રંથગુલાલ
'ગુજરાતી બાળવાર્તા સંપદા'

સંપાદન : શ્રદ્ધા ત્રિવેદી
wiki.ekatrafoundation.org/index.php/ગુજરાતી_બાળવાર્તા_સંપદા

ગુજરાતી બાળસાહિત્યના પાયાના સર્જક ગિજુભાઈ બધેકાથી લઈને સમકાલીન બાળસાહિત્યકારોની પસંદગીની બાળવાર્તાઓનો આ બૃહદ્ સંચય ગુજરાતી બાળસાહિત્યની સમૃદ્ધ પરંપરાનો પરિચય કરાવે છે. બાળમનને આનંદ આપતી, કલ્પનાશક્તિ ખીલવતી અને જીવનમૂલ્યોનું સહજ સંસ્કારસિંચન કરતી આ વાર્તાઓ વિષયવૈવિધ્ય અને રસવૈવિધ્યથી સમૃદ્ધ છે. લોકકથાઓ, પ્રાણીકથાઓ, પરીકથાઓ, હાસ્યપ્રસંગો, બોધકથાઓ અને આધુનિક બાળવાર્તાઓનો આ સંગ્રહ ગુજરાતી બાળવાર્તાના વિકાસની સમગ્ર યાત્રાને એક જ ગ્રંથમાં સમાવી લે છે.

આ સંપાદનમાં ૧૦૦થી વધુ ગુજરાતી બાળસાહિત્યકારોની ૧૫૦થી વધુ પસંદગીની બાળવાર્તાઓ સમાવિષ્ટ છે, જે વાચકોને ગુજરાતી બાળસાહિત્યનો વ્યાપક પરિચય કરાવે છે. બાળકો, માતા-પિતા, શિક્ષકો અને બાળસાહિત્યના અભ્યાસીઓ માટે આ એક મૂલ્યવાન ગ્રંથ છે.

ગુજરાતી બાળસાહિત્યની આ અમૂલ્ય વાર્તાસંપદા હવે 'એકત્ર' પર ડિજિટલ સ્વરૂપે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
https://ekatrafoundation.org/

Address

Durham, NC

Alerts

Be the first to know and let us send you an email when Ekatra Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ekatra Foundation:

Shortcuts

Share

Category